Loading Please Wait !!!
જૈન સંતોની સુરક્ષા માટે સુરતમાં જૈન સમાજ રસ્તા પર ઉતર્યો

  • 9 દિવસમાં 3 પદવિહારી કાળધર્મ પામતા આક્રોશ, વિશેષ કાયદો બનાવવાની સરકાર પાસે માંગ
  • મધ્યપ્રદેશ અને ચોટીલા હાઈવે પર થયેલા શંકાસ્પદ અકસ્માતો વિરૂદ્ધ કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત
  • શ્વેત વસ્ત્રો ધારણ કરી હજારો શ્રાવકો મૌન રેલીમાં જોડાયા, દોષિતોને ફાંસી આપવાની માંગ

સિટી ન્યુઝ @ સુરત

સમગ્ર દેશમાં અહિંસા અને શાંતિનો સંદેશ ફેલાવતા જૈન સંતો તેમજ સાધ્વીજીઓની સુરક્ષાને લઈને હાલ જૈન સમાજમાં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં મધ્યપ્રદેશના રેવા અને ગુજરાતના ચોટીલા પાસે પગપાળા વિહાર કરી રહેલા જૈન સંતો અને સાધ્વીજીઓના માર્ગ અકસ્માતમાં થયેલા આકસ્મિક મૃત્યુના વિરોધમાં સુરત મહાનગરના સમસ્ત જૈન સમુદાય દ્વારા એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના માધ્યમથી સુરતનો જૈન સમાજ દેશભરમાં વિહાર કરતા સાધુ-સંતોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર પાસે કડક કાયદો બનાવવાની માંગ કરી રહ્યો છે.

સવારે 9 વાગ્યે પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટર ખાતે હજારોની સંખ્યામાં જૈન શ્રાવકો અને શ્રાવિકાઓ શ્વેત વસ્ત્રો ધારણ કરીને એકત્રિત થયા હતા. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંત અહિંસાને વરેલો આ સમાજ કોઈપણ પ્રકારની નારાબાજી વગર, અત્યંત શિસ્તબદ્ધ રીતે મૌન પાળીને આગળ વધ્યો હતો. આ મૌન રેલી પાર્લે પોઈન્ટથી શરૂ થઈને અઠવાલાઈન્સ સ્થિત કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. છેલ્લા 9 દિવસમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં 3 જેટલા પદવિહારી સંતો કાળધર્મ પામતા સમાજ રસ્તા પર ઉતરવા મજબૂર બન્યો છે.

જૈન સમાજના અગ્રણી હિતેશકુમાર જૈને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ટાર્ગેટ કરીને ષડયંત્ર રૂપે જૈન સાધુ-સાધ્વીઓની હત્યા કરવામાં આવે છે, જે અત્યંત નિંદનીય છે. 20 મે 2026 ના રોજ મધ્યપ્રદેશના રેવામાં દિગંબર સમુદાયના સાધ્વીજી શ્રુતમતી માતાજી તથા ઉપશમ માતાજીનું અકસ્માતમાં અવસાન થયું હતું. જ્યારે 28 મેના રોજ ચોટીલા હાઈવે નજીક વિહાર કરી રહેલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પૂજ્ય પંન્યાસ ઓમકારશેખર વિજય જી મહારાજ પણ એક ભયાનક અકસ્માતનો ભોગ બન્યા હતા, જેથી આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ન્યાય તોળવામાં આવે તેવી માંગ છે.

જૈન સમાજ વતી સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ

ભારતભરમાં પગપાળા વિહાર કરતા તમામ સાધુ અને સાધ્વીજીઓને સંપૂર્ણ સુરક્ષા આપતો વિશેષ કેન્દ્રીય કાયદો બને.

સંતોના અકસ્માત અને હત્યા પાછળ સંમિલિત તમામ ગુનેગારો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે.

ષડયંત્રકારીઓને કાયદાના સકંજામાં લાવીને ફાંસી જેવી સખતમાં સખત સજા આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ.