સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ: હવે ટોલ નાકે ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
- કામરેજ પાસે ANPR ટેક્નોલોજી કાર્યરત; 80ની સ્પીડે દોડતી ગાડીનો ટોલ ઓટોમેટિક કપાશે.
- હાઈ-રિઝોલ્યુશન કેમેરા સેકન્ડોમાં કરશે સ્કેનિંગ; વાર્ષિક 1500 કરોડના ઈંધણની થશે બચત.
- NHAI નો સફળ પ્રયોગ; વર્ષ 2026 ના અંત સુધીમાં દેશભરમાં 1050 પ્લાઝા થશે બેરિયરલેસ
સિટી ન્યુઝ @ સુરત : સુરત શહેરે ફરી એકવાર ટ્રાન્સપોર્ટ અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશમાં ડંકો વગાડ્યો છે. ભારત સરકાર અને NHAI દ્વારા સુરતના કામરેજ પાસે દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ આજથી એટલે કે ૧લી મેથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધી વાહનચાલકોએ ફાસ્ટેગ હોવા છતાં ટોલ નાકે બૂમ બેરિયર પાસે થોભવું પડતું હતું, પરંતુ હવે મુંબઈ-દિલ્હી હાઈવે (NH48) પરથી પસાર થતા વાહનો અટક્યા વગર ૮૦ કિમી/કલાકની ઝડપે ટોલ પ્લાઝા પાર કરી શકશે.
આ નવી વ્યવસ્થા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) ટેક્નોલોજી પર આધારિત છે. હાઈવે પર લગાવેલા ખાસ હાઈ-રિઝોલ્યુશન કેમેરા પસાર થતા વાહનની નંબર પ્લેટ સ્કેન કરશે અને વાહનના ફાસ્ટેગ ખાતામાંથી રકમ સીધી ડેબિટ થઈ જશે. જો કોઈ વાહનમાં ફાસ્ટેગ નહીં હોય, તો પણ કેમેરા નંબર પ્લેટ સ્કેન કરી લેશે અને ભવિષ્યમાં દંડ સાથે વસૂલાત માટે ડિજિટલ બિલ જનરેટ થશે.
NHAI ના અંદાજ મુજબ આ સિસ્ટમથી સમયની બચતની સાથે દેશમાં વાર્ષિક ૧,૫૦૦ કરોડ રૂપિયાના બળતણની બચત થશે. કામરેજ અને ચોર્યાસી જેવા વ્યસ્ત ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં દેશના ૧,૦૫૦થી વધુ ટોલ પ્લાઝાને આ રીતે એઆઈ (AI) આધારિત મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમથી સજ્જ કરવાની યોજના ધરાવે છે, જેની શરૂઆત સુરતથી થઈ ચૂકી છે.