Loading Please Wait !!!
ભાવનગરની ‘ઈનાર્કો’ કંપનીમાં કામદારોનો આક્રોશ: પ્લાન્ટ શિફ્ટિંગ સાથે સુવિધાઓમાં કાપ મૂકાતા મહિલા-પુરુષ કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા

 

  • ભેદભાવની નીતિ સામે મોરચો: કાયમી કર્મચારીઓને બધું ફ્રી, જ્યારે અન્ય વર્કરો પાસેથી બસ ભાડા અને નાસ્તાના પૈસા વસૂલાતા વિરોધ

  •  26 દિવસની હાજરીની શરત સામે નારાજગી- "દોઢું કામ કરીએ છીએ છતાં અન્યાય કેમ?" મહિલા કર્મચારીઓએ મેનેજમેન્ટને ઘેર્યું

  • બસ ભાડું અને કેન્ટીન કૂપન મફત આપવાની માંગ- 24 દિવસની હાજરીની મર્યાદા સ્વીકારવા મક્કમ કર્મચારીઓ; આંદોલનના એંધાણ

    ભાવનગર: ભાવનગરના નવાપરા વિસ્તારમાં વર્ષોથી કાર્યરત રબર ફેક્ટરી 'ઈનાર્કો પ્રાઈવેટ લિમિટેડ' ના શ્રમિકો અને મેનેજમેન્ટ વચ્ચેનો ગજગ્રાહ હવે સપાટી પર આવ્યો છે. કંપનીનો પ્લાન્ટ નવાપરાથી ભોજપરા ખાતે શિફ્ટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ સ્થળાંતરની સાથે જ કર્મચારીઓની પાયાની સુવિધાઓમાં કાપ મૂકવામાં આવતા મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ કામદારોએ ફેક્ટરીના ગેટ બહાર એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓનો મુખ્ય આક્ષેપ છે કે મેનેજમેન્ટ કાયમી અને કોન્ટ્રાક્ટ બેઝ પરના વર્કરો વચ્ચે સુવિધાઓ બાબતે ખુલ્લેઆમ ભેદભાવ રાખી રહ્યું છે.

    શ્રમિકોના જણાવ્યા અનુસાર, નવા લોકેશન (ભોજપરા) જવા માટે અન્ય વર્કરો પાસેથી બસ ભાડું, જમવાનું અને ચા-નાસ્તાના પૈસા વસૂલવાની નીતિ જાહેર કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ કાયમી કર્મચારીઓ માટે આ તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી છે. આ ઉપરાંત, કંપનીએ સ્કીમનો લાભ મેળવવા માટે મહિનામાં ૨૬ દિવસની ફરજિયાત હાજરીની કડક શરત રાખી છે. કર્મચારીઓનું કહેવું છે કે ભાવનગરથી છેક ભોજપરા જઈને મહિનામાં ૨૬ દિવસની હાજરી પૂરી કરવી વ્યવહારિક રીતે ખૂબ મુશ્કેલ છે, તેથી આ મર્યાદા ઘટાડીને ૨૪ દિવસ કરવામાં આવે.

    વિરોધમાં જોડાયેલા સ્વાતિબેન નામના મહિલા કર્મચારીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે કાયમી કર્મચારીઓ કરતા દોઢું કામ કરીએ છીએ, છતાં અમને ટ્રાન્સપોર્ટ અને કેન્ટીન જેવી પાયાની સુવિધાઓમાં અન્યાય કરવામાં આવે છે. જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને પક્ષપાતભર્યું વલણ ચાલુ રહેશે, તો તમામ વર્કરો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે." શ્રમિકોની સ્પષ્ટ માંગ છે કે મુસાફરી, કેન્ટીન અને ચા-નાસ્તાની કૂપન કોઈ પણ ચાર્જ વગર દરેક કર્મચારીને સમાન રીતે આપવામાં આવે.

    આ વિવાદમાં ૧૫ વર્ષથી કંપની સાથે જોડાયેલા પ્રિન્સ મકવાણા સહિતના અગ્રણીઓએ પણ મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે વર્ષોની વફાદાર સેવા છતાં કંપની પાયાની સુવિધાઓ આપવાનો ઇનકાર કરીને શ્રમિકોનું શોષણ કરી રહી છે. જો કંપની પોતાની જીદ નહીં છોડે અને કર્મચારીઓની રજૂઆત પર સકારાત્મક ધ્યાન આપીને ભેદભાવ દૂર નહીં કરે, તો આવનારા દિવસોમાં તમામ કર્મચારીઓ સામૂહિક રીતે રાજીનામા આપી દેશે તેવી ગંભીર ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

    હાલમાં ઈનાર્કો ફેક્ટરી બહાર વાતાવરણ તંગ છે અને શ્રમિકોએ પોતાનું કામકાજ અટકાવીને વિરોધ નોંધાવ્યો છે. પ્લાન્ટ શિફ્ટિંગની પ્રક્રિયા દરમિયાન કર્મચારીઓનો આ આક્રોશ કંપનીના ઉત્પાદન પર પણ અસર કરી શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે કંપની મેનેજમેન્ટ આ મામલે નમતું જોખીને કર્મચારીઓ સાથે સમજૂતી કરે છે કે પછી શ્રમિકોના આંદોલનને પગલે કોઈ નવો વળાંક આવે છે.