Loading Please Wait !!!
ઇસરોએ એનવીએસ-૦૩ સેટેલાઇટ સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો!

  • ભારત હવે જીપીએસ સિસ્ટમ માટે બન્યું આત્મનિર્ભર!
  • સેટેલાઇટમાં સ્વદેશી રૂબીડીયમ એટોમિક ક્લોક કરાઈ ગોઠવાય છે!
  • લશ્કર, રેલવે અને સ્માર્ટફોનમાં મળશે સચોટ સમય!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા દેશના સ્પેસ પ્રોગ્રામમાં વધુ એક ગૌરવવંતુ સીમાચિહ્ન સર કરતા નેવિગેશન વિઝિટર સિરીઝનો એનવીએસ-૦૩ (NVS-03) સેટેલાઇટ સફળતાપૂર્વક તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દેવામાં આવ્યો છે.

આ સ્વદેશી સેટેલાઇટ પૃથ્વીથી આકાશમાં ૩૫,૭૬૫ થી ૩૬,૧૯૬ કિલોમીટરની ઊંચાઈએ પોતાની કક્ષામાં પહોંચ્યો છે, જેને ગત ૩૦ ઓક્ટોબરે જીએસએલવી-એફ ૧૮ (GSLV-F18) રોકેટ દ્વારા આકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો અને ચાર સફળ પ્રયોગો દ્વારા કક્ષામાં ગોઠવવામાં આવ્યો હતો.

આ સેટેલાઇટના સફળ પ્રક્ષેપણથી ભારત હવે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) અને નેવિગેશન સેવાઓ માટે વિદેશી દેશો પરની નિર્ભરતામાંથી મુક્ત થઈને સંપૂર્ણપણે આત્મનિર્ભર બન્યું છે, જેનાથી નાગરિક, વેપારી અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સચોટ દિશા તથા સમય મળી રહેશે.

આ સેટેલાઇટની સૌથી મોટી વિશેષતા તેમાં લગાડવામાં આવેલી સંપૂર્ણપણે સ્વદેશી 'રૂબીડીયમ એટોમિક ક્લોક' છે, જેના માધ્યમથી સરકારની 'વન નેશન, વન ટાઇમ' (One Nation, One Time) ની વ્યવસ્થા અત્યંત સચોટ અને આધુનિક ટેકનોલોજીથી અમલમાં મૂકી શકાશે.

આ સિસ્ટમ દ્વારા ભારતીય લશ્કરની ત્રણેય પાંખ, રેલવે, માર્ગ પરિવહન, હવાઈ સેવાઓ, સ્માર્ટફોન તથા સ્માર્ટવોચ જેવા ઉપકરણોને અતિ-સચોટ નેવિગેશન સિગ્નલ મળશે તેમજ સરહદી વિસ્તારોની ગતિવિધિઓ પર ૧,૫૦૦ કિલોમીટરના ઘેરાવામાં બાજનજર રાખી શકાશે.

સ્વદેશી અંતરિક્ષ ટેકનોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષા

જ્યારે કોઈ રાષ્ટ્ર પોતાની સ્વદેશી અવકાશ ટેકનોલોજી અને નેવિગેશન સિસ્ટમ વિકસાવે છે, ત્યારે તે માત્ર તકનીકી સિદ્ધિ નથી હોતી પરંતુ તે દેશની આર્થિક, વ્યૂહાત્મક અને સરહદી સુરક્ષા માટે એક મજબૂત કવચ સાબિત થતી હોય છે. ઇસરો દ્વારા વિકસિત એનવીએસ-૦૩ સેટેલાઇટ અને સ્વદેશી એટોમિક ક્લોક ભારતને વૈશ્વિક સ્તરે અંતરિક્ષ વિજ્ઞાનમાં વધુ એક ડગલું આગળ વધારીને અગ્રિમ હરોળમાં સ્થાપિત કરે છે.