દક્ષિણ કોલકાતામાં સોશિયલ મીડિયા રીલ માટે માનવતા શરમસાર!
- કિશોરની આંખે પટ્ટી બાંધી તેના પર પેટ્રોલ છાંટી આગ લગાડી!
- પાંચસો રૂપિયાના ઉધાર વિવાદ કે સોશિયલ મીડિયાનો સ્ટંટ?
- પોલીસે બે સગીર સહિત ત્રણ આરોપીઓની કરી ધરપકડ!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દક્ષિણ કોલકાતામાંથી એક અત્યંત અમાનવીય અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ હુમલાખોરોએ એક કિશોરની આંખો પર પટ્ટી બાંધીને તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી હતી અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત ૨૭ ઓક્ટોબરે બનેલી આ ઘટના પાછળ સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો ઈરાદો હોવાનું પોલીસે જાહેર કર્યું છે, જ્યારે ભોગ બનનાર કિશોરના પરિવારજનોનો દાવો છે કે કિશોરે છ મહિના પહેલા આરોપી પાસેથી ૫૦૦ રૂપિયા ઉધાર લીધા હતા અને તે પરત કરવા છતાં આ હુમલો કરાયો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે આરોપીઓએ સ્કૂટરની ડિક્કીમાંથી પેટ્રોલ કાઢીને કિશોર પર છાંટ્યું હતું, તેને હેલ્મેટ પહેરાવી હતી અને દીવાસળી સળગાવીને તેના પર ફેંકી હતી, જેના કારણે તે આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયો હતો.
આ ભયાનક આગથી ઘેરાયેલો કિશોર ચીસાચીસ કરીને ભાગવા લાગ્યો ત્યારે આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવીને તેને બચાવી લીધો હતો, જોકે બાદમાં પણ આરોપીઓ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ ગંભીર ગુનાની નોંધ લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા બે સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે છાતી અને પેટના ભાગે દાઝી ગયેલા પીડિત કિશોરની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિર હોવાનું મનાય છે.
સોશિયલ મીડિયાની ઘેલછા અને વધતો અપરાધ પ્રવાહ
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર વધુ લાઈક્સ, વ્યૂઝ અને વાયરલ થવાની ઘેલછામાં યુવા પેઢી કેટલી હદ સુધી સંવેદનહીન બની રહી છે તેનું આ એક જીવંત અને ખરાબ ઉદાહરણ છે. 'રીલ' બનાવવાના નામે માનવ જીવન સાથે ચેડા કરવા અને હિંસક કૃત્યોને અંજામ આપવો એ સામાજિક અધપતન દર્શાવે છે. આવા કિસ્સાઓમાં કડક કાનૂની કાર્યવાહી અને સાયબર મોનિટરિંગ અત્યંત આવશ્યક છે જેથી યુવાનોમાં કાયદાનો ભય રહે અને આવી અમાનવીય ઘટનાઓ અટકી શકે.