ભાવનગરના સિહોરમાં કાળ બનીને આવી કાર: એકસાથે 6 લોકોને અડફેટે લીધા
- કે.ડી. રાઠોડ દવાખાના પાસે પૂરપાટ ઝડપે દોડતી ઓરા કારે બાઈકને ફંગોળ્યું, મહિલા સહિત 6 લોહીલુહાણ
- પિતરાઈ ભાઈને તેડવા ગયેલા યુવકો પર કાળનો પંજો, ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડાયા
- સિહોર પોલીસે કાર ચાલક જાહિદ સોરઠીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભાવનગર | સિટી ન્યૂઝ : ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં રવિવારે બપોરના સમયે રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. સિહોરના કે.ડી. રાઠોડ દવાખાના પાસે ગત 3 મેના રોજ એક પૂરઝડપે આવતી ઓરા કારના ચાલકે રોડ પર જઈ રહેલા મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારે બાઈક સવારો સહિત કુલ 6 લોકોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં મહિલા સહિત 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગતો મુજબ, સિહોરના ગુંદાળા રામનગર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય વિશાલભાઈ ધીરૂભાઈ ગોહિલ ભાવનગરથી કામ પતાવી સિહોર પરત આવ્યા હતા. તેમનો પિતરાઈ ભાઈ રાહુલ તેમને મોટરસાયકલ પર તેડવા આવ્યો હતો. બપોરે દોઢ વાગ્યાની આસપાસ જ્યારે બંને ભાઈઓ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી ગોળીની ગતિએ આવતી ઓરા કારના ચાલકે તેમની મોટરસાયકલને જોરદાર ઠોકર મારી ફંગોળી દીધી હતી. અકસ્માતને પગલે કારનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતમાં વિશાલભાઈ, રાહુલ અને રસ્તા પરથી પસાર થઈ રહેલી અન્ય એક મહિલા સહિત કુલ 6 વ્યક્તિઓને લોહીલુહાણ હાલતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. આસપાસના લોકોએ તાત્કાલિક એકઠા થઈ તમામ ઇજાગ્રસ્તોને સિહોર હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
સિહોર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જનાર કાર ચાલક જાહિદભાઈ હુસેનભાઈ સોરઠીયા (રહે. સિહોર) વિરુદ્ધ વિશાલભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ નવીન BNS એક્ટની કલમ 281, 125(a), 125(b) તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં વાહનોની ગતિ પર નિયંત્રણ ન હોવાને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. પૂરપાટ ઝડપે કાર ચલાવીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકનાર ચાલક સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તો ભાવનગર ખાતે સારવાર હેઠળ છે, જ્યાં કેટલાકની હાલત હજુ પણ ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે.