Loading Please Wait !!!
જૂનાગઢમાં રોડના કામ મુદ્દે ભાજપમાં જ ભડકો: પદાધિકારીઓ અને કાર્યકરો વચ્ચે પોલીસની હાજરીમાં બોલાચાલી

  • "PM મોદી પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થાય છે" - સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવી ઠાકરનો હૂંકાર.
  • પૂર્વ ડેપ્યુટી મેયરના પતિએ પદાધિકારીઓને સત્તાના નશામાં હોવાની ગરિમા ભૂલ્યા હોવાનું જણાવ્યું.
  • ક્યાં ભ્રષ્ટાચાર થયો છે તે બતાવો": પલ્લવી ઠાકરે પોતાના બચાવમાં વડાપ્રધાનના નામનો ઉલ્લેખ કર્યો

સિટી ન્યુઝ @ જૂનાગઢ  : જૂનાગઢ મહાનગરપાલિકામાં વિકાસકામો કરતા વિવાદોએ વધુ જોર પકડ્યું છે. શહેરનો જવાહર રોડ હાલમાં રાજકારણ અને જનતાના રોષનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા 70 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સ્વામિનારાયણ મંદિરથી સેજની ટાંકી સુધીના મુખ્ય માર્ગનું કામ ગોકળગતિએ ચાલતા સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ફેબ્રુઆરીમાં આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આજ સુધી કામ પૂરું ન થતા જનતાનો પિત્તો ગયો છે.

આજે જ્યારે મનપા કમિશનર અને પદાધિકારીઓ રોડની મુલાકાતે પહોંચ્યા ત્યારે ભાજપના જ કાર્યકરો તેમજ પદાધિકારીઓ વચ્ચે પોલીસની હાજરીમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે વડાપ્રધાનના નામનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "ભ્રષ્ટાચારના આક્ષેપો તો PM મોદી પર પણ થાય છે, મને બતાવો કે ભ્રષ્ટાચાર ક્યાં થયો છે". તેમના આ નિવેદને રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

બીજી તરફ, પૂર્વ ડેપ્યુટી મેયરના પતિ અને ભાજપના સક્રિય કાર્યકર ભરત પરમારે આક્ષેપ કર્યો કે કમિશનરે કામ પૂરું કરવા બાબતે અત્યંત ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો કે રોડ અત્યારે જે હાલતમાં છે તે જ હાલતમાં રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે હાલના પદાધિકારીઓ સત્તાના નશામાં હોદાની ગરિમા ભૂલી ગયા છે. દરમિયાન, ચેરમેન પલ્લવીબેને પાણીની લાઈનો તૂટી ગઈ હોવાથી કામમાં વિલંબ થયો હોવાનું ટેકનિકલ કારણ રજૂ કર્યું હતું. હાલ તો જૂનાગઢમાં રોડના કામ કરતા પદાધિકારીઓની ભાષા અને વડાપ્રધાનના નામનો ઉપયોગ ચર્ચાનો વિષય બન્યો છે.