ગુજરાત સરકારનો મોટો નિર્ણય: બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદા વધી
- કિસાન સંઘ સાથે કૃષિમંત્રીની બેઠક બાદ લેવાયો મહત્વનો નિર્ણય, ખેડૂતોને સીધો આર્થિક લાભ
- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હવે નવી નિર્ધારિત મર્યાદા મુજબ જ પાકની ખરીદી કરશે
- બાજરીમાં 1,500 કિલો, મકાઈમાં 1,000 કિલો અને જુવારમાં 700 કિલોનો વધારો મંજૂર
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લઈને બાજરી, મકાઈ અને જુવારની ખરીદીની મર્યાદામાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. પાટનગર ગાંધીનગર ખાતે આજે કિસાન સંઘના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ સાથે કૃષિમંત્રીની યોજાયેલી એક ખાસ બેઠક બાદ આ આખરી નિર્ણય પર મહોર મારવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ખરીદી મર્યાદા અનુસાર, બાજરીની ખરીદી મર્યાદા અગાઉના 2,000 કિલો (100 મણ)થી સીધી વધારીને હવે 3,500 કિલો (175 મણ) કરવામાં આવી છે, જે અંતર્ગત પ્રતિ ખેડૂત 1,500 કિલો (75 મણ)નો મોટો વધારો નોંધાયો છે. તેવી જ રીતે, મકાઈની ખરીદી મર્યાદા પણ 1,500 કિલો (75 મણ)થી વધારીને હવે 2,500 કિલો (125 મણ) નક્કી કરવામાં આવી છે, એટલે કે તેમાં 1,000 કિલો (50 મણ)નો વધારો કરાયો છે. આ ઉપરાંત, જુવારની ખરીદી મર્યાદામાં પણ 700 કિલો (35 મણ)નો વધારો કરીને તેને અગાઉના 1,000 કિલો (50 મણ)થી વધારીને હવે ખેડૂત દીઠ 1,700 કિલો (85 મણ) કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યના ખેડૂતો અને વિવિધ સંગઠનો તરફથી મળેલી રજૂઆતો અને સ્થાનિક જરૂરિયાતોને ઝીણવટપૂર્વક ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગ દ્વારા આ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને આ અંગે સુચનાઓ આપી દેવામાં આવી છે અને હવેથી તમામ કેન્દ્રો પર આ નવી નિર્ધારિત મર્યાદા મુજબ જ ખેડૂતો પાસેથી પાકની સત્તાવાર ખરીદી શરૂ કરવામાં આવશે. સરકારના આ સકારાત્મક વલણના કારણે ખેડૂતો પોતાની વધુમાં વધુ ઉપજ ટેકાના ભાવે બજારમાં વેચી શકશે, જેનાથી વચેટિયાઓ પ્રથા નાબૂદ થશે અને ખેડૂતોને સીધો આર્થિક ફાયદો પહોંચશે.
ખેડૂતોને આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જતો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા ખરીદીની લિમિટમાં કરવામાં આવેલા આ નોંધપાત્ર વધારાથી ખાસ કરીને ખરીફ અને રવિ પાક પકવતા નાના અને મધ્યમ વર્ગના હજારો ખેડૂતોને મોટી રાહત મળશે. ખુલ્લા બજારમાં ઓછા ભાવે પાક વેચવા મજબૂર બનતા ખેડૂતો હવે સીધા સરકારી કેન્દ્રો પર જઈને ઊંચા ટેકાના ભાવનો મહત્તમ લાભ લઈ પોતાની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનાવી શકશે.