ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી ખર્ચ અને ઈંધણ બચાવવા ‘વર્ક ફ્રોમ હોમ’ અને ઓનલાઈન મિટિંગ પર ભાર
- સીએમ ભૂપેન્દ્ર પટેલના કડક નિર્દેશ; મંત્રીઓના કાફલામાં ઘટાડો અને કારપૂલિંગને અપાશે પ્રોત્સાહન
- કોઈ પણ ભવ્ય સમારોહ વિના બસો સીધી સેવામાં મુકાશે; સામાન્ય જનતાની સુવિધામાં થશે વધારો
- પીએમ મોદીની અપીલને માન આપી ઇંધણ બચતની ઝુંબેશ; પાયલોટિંગ કારની સંખ્યામાં પણ કરાયો ઘટાડો
સિટી ન્યુઝ @ ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ૧૫ મેના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ઇંધણની બચત અને સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે ઇંધણના વધતા ભાવ અને આર્થિક બોજને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓ અને વિભાગોને 'વર્ક ફ્રોમ હોમ' ની શક્યતાઓ ચકાસવા અને ઓનલાઈન મિટિંગો દ્વારા કામગીરી વધારવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે.
જાહેર પરિવહનમાં વધારો: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બાદ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આવતીકાલથી રાજ્યના નાગરિકોની સુવિધા માટે ૩૦૦ નવી એસ.ટી. (ST) બસો સેવામાં મૂકવામાં આવશે. આ બસોને કોઈ પણ પ્રકારના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ વિના સીધી જ રુટ પર દોડતી કરવામાં આવશે, જેથી સરકારી ખર્ચ બચે અને જનતાને તાત્કાલિક સુવિધા મળે.
ઈંધણ બચત માટે મંત્રીઓ મેદાને: આજની બેઠકમાં મંત્રીઓ પણ પરિવર્તનના મૂડમાં જોવા મળ્યા હતા. પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળી સ્વયં ઇલેક્ટ્રિક સ્કુટી ચલાવીને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતા, જ્યારે અન્ય મંત્રીઓ પણ ઇવી (EV) વાહનો અને કારપૂલિંગ દ્વારા સચિવાલય આવ્યા હતા. મુખ્યમંત્રીએ મંત્રીઓના પાયલોટિંગ કાફલામાં ઘટાડો કર્યો છે અને પોતે પણ માત્ર ત્રણ ગાડીઓ સાથે બેઠકમાં હાજર રહ્યા હતા. અધિકારીઓને પણ એકથી વધુ કારના બદલે કારપૂલિંગ કરવા સૂચના અપાઈ છે.
વર્ચ્યુઅલ ગવર્નન્સ તરફ પ્રયાણ: સરકારે હવેથી ગાંધીનગરમાં યોજાતી બેઠકોમાં બિનજરૂરી રીતે અધિકારીઓ કે કર્મચારીઓને બોલાવવાને બદલે વીડિયો કોન્ફરન્સ દ્વારા જ કામગીરી પતાવવા આદેશ આપ્યો છે. મંત્રીઓને લોકાર્પણ કે ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમોમાં જવાની છૂટ અપાઈ છે, પરંતુ મોટા સુરક્ષા કાફલાઓ ટાળવા કડક તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, કોર્પોરેટ સેક્ટરમાં પણ શક્ય હોય ત્યાં સુધી 'વર્ક ફ્રોમ હોમ' ને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રયાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ પ્રવાસ ટાળવાની અપીલને માન આપીને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ પોતાનો આગામી અમેરિકા પ્રવાસ રદ કર્યો છે, જે અન્ય મંત્રીઓ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. આજની કેબિનેટમાં લેવાયેલા આ નિર્ણયોથી સરકારી તિજોરી પરનો બોજ ઘટશે અને ગ્રીન એનર્જી તરફ રાજ્યના ડગલાં વધુ મજબૂત બનશે.