Loading Please Wait !!!
ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં ઐતિહાસિક ચુકાદો: 12 આતંકીઓ દોષિત

  • જામનગર કોર્ટનો કડક સંદેશ: મુંબઈ બ્લાસ્ટના ગુનેગારોને દાયકાઓ બાદ મળી સજા
  • પંજૂમિંયા અને આરીફ લંબુ સહિત 12 તકસીરવાન, દેશદ્રોહીઓ સામે કાયદાનો સકંજો
  • હથિયારો અને વિસ્ફોટકોના કાળા કારોબારમાં જામનગર સ્પેશિયલ કોર્ટનો સીમાચિહ્નરૂપ ફેંસલો

જામનગર | સિટી ન્યૂઝ : વર્ષો જૂના અને સમગ્ર દેશમાં ચર્ચિત બનેલા પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. 1993ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ સાથે સીધો સંબંધ ધરાવતા આ ગંભીર કેસમાં કોર્ટે કુલ 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણયને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં એક કડક અને સ્પષ્ટ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે, જેણે દાયકાઓ જૂના પાપનો હિસાબ પૂર્ણ કર્યો છે.

આ કેસ પોરબંદરના ગોસાબારા દરિયા કિનારે ગેરકાયદેસર રીતે ઉતારવામાં આવેલા ભયાનક RDX અને ઘાતક હથિયારોના જથ્થા સાથે સંકળાયેલો છે. તપાસ એજન્સીઓના રિપોર્ટ મુજબ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને મુસ્તફા ડોસા દ્વારા પાકિસ્તાનથી મોકલવામાં આવેલી વિસ્ફોટક સામગ્રી આ માર્ગે જ ભારતમાં પ્રવેશી હતી. જાન્યુઆરી 1993 ના બીજા અઠવાડિયામાં પાકિસ્તાની બોટ દ્વારા લવાયેલું RDX મધદરિયે સ્થાનિક બોટમાં ટ્રાન્સફર કરી રાત્રિના અંધકારમાં કિનારે ઉતારવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ બાદમાં મુંબઈને ધ્રુજાવનાર બ્લાસ્ટમાં થયો હતો.

ન્યાયિક પ્રક્રિયાની વાત કરીએ તો, આ કેસમાં કુલ 46 આરોપીઓ નોંધાયા હતા. લાંબી કાનૂની લડત દરમિયાન 11 આરોપીઓના કુદરતી મોત નિપજ્યા હતા, જ્યારે 06 આરોપીઓને પુરાવાના અભાવે અગાઉ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સુનાવણીનો સામનો કરનાર 29 આરોપીઓમાંથી કોર્ટે આજે 12 ને તકસીરવાન ઠેરવ્યા છે. દોષિતોમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન કોરેજા, મમદુ, હારુન સંધાર વાઘેર, આરીફ લંબુ અને કુખ્યાત પંજૂમિંયા સહિતના સ્મગલરોનો સમાવેશ થાય છે.

કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવાઓ પરથી સાબિત થયું હતું કે, આતંકી ઓપરેશન પાછળ દાઉદ ઈબ્રાહિમ, ટાઈગર મેમણ અને સ્થાનિક સ્મગલરોનું મજબૂત નેટવર્ક સક્રિય હતું. ગોસાબારાના નિર્જન કિનારે AK-47 રાઈફલ્સ, હેન્ડ ગ્રેનેડ્સ અને મેગેઝિન જેવા જીવલેણ હથિયારો ઉતારવામાં આવ્યા હતા. આ ચુકાદાથી સુરક્ષા એજન્સીઓના તે પ્રયાસોને સફળતા મળી છે જેઓ દાયકાઓથી આ આતંકી કાવતરાના મૂળ સુધી પહોંચવા મથતા હતા.

આ ચુકાદાને પગલે જામનગર અને સમગ્ર ગુજરાતના કાયદાકીય વર્તુળોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આતંકવાદ સામેની લડાઈમાં આ એક મોટો લપડાક સમાન છે, જે દર્શાવે છે કે કાયદો ગમે તેટલી વિલંબિત પ્રક્રિયા હોય પણ ગુનેગારોને છોડતો નથી. દાયકાઓ જૂના આ કેસમાં આજે અંતે ન્યાય મળતા શહીદોના પરિવારો અને દેશના સુરક્ષા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. હવે આ દોષિતોને શું સજા ફટકારવામાં આવે છે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.