સુરતમાં ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર ‘બાણ’: “હર્ષ સંઘવી હીરા વેપારીઓને ધમકી આપી દબાણ કરી રહ્યા છે”
-
વિચાર્યા વગરના આયોજનથી ₹4000 કરોડનું ડાયમંડ બુર્સ ખાલી; AAP નેતાના ડાયમંડ સિટીમાં આકરા પ્રહાર
-
ફ્લાઇટ નથી, હોટેલ નથી, વેપારીઓ હીરા વેચવા ક્યાં જાય? ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીના અભાવે કરોડોનું આંધણ
-
મહિધરપુરા અને મિની બજારના વેપારીઓને ધમકાવવાનો હર્ષ સંઘવી પર આક્ષેપ; સુરતની જનતા વચ્ચે ઇટાલિયાનો ગરમાવો
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સુરત ડાયમંડ બુર્સના મુદ્દે ભાજપ સરકાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે. વોર્ડ નંબર ૩ ની જાહેર સભામાં ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે યોગ્ય પરામર્શ અને આયોજન વગર કરોડોના ખર્ચે બનેલું ડાયમંડ બુર્સ આજે સુવિધાઓના અભાવે ખાલી પડ્યું છે.
ધમકી અને દબાણનો આક્ષેપ ઇટાલિયાએ સીધું જ હર્ષ સંઘવીનું નામ લઈને પ્રહાર કરતા જણાવ્યું કે, “વેપારીઓને ધમકી આપવામાં આવી રહી છે કે ઓફિસો ત્યાં લઈ જાવ, નહીંતર જોઈ લેવામાં આવશે.” તેમણે કહ્યું કે મહિધરપુરા અને મિની બજારના વેપારીઓ પર બળજબરીપૂર્વક દબાણ કરવામાં આવી રહ્યું છે. જો સરકાર પાસે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કે ફાઇવ સ્ટાર હોટલો જેવી પાયાની સુવિધાઓની કનેક્ટિવિટી જ ન હોય તો વેપારીઓ ત્યાં જઈને શું કરે?
આયોજન પર સવાલ ભાજપની કાર્યપદ્ધતિ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, “ડાહ્યો માણસ સલાહ લઈને નિર્ણય લે છે, પણ ભાજપની હાલત એવી છે કે પહેલા નિર્ણય લે છે અને પછી ગામમાં પૂછવા નીકળે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ૪૦૦૦ કરોડના તોતિંગ ખર્ચે બિલ્ડિંગ તો બનાવી દીધું પણ હીરા ઉદ્યોગના અનુભવી માણસો સાથે ચર્ચા કરવાની તસ્દી સુદ્ધા લીધી નથી. અંતમાં તેમણે દાવો કર્યો કે આમ આદમી પાર્ટી હંમેશા લોકોને પૂછીને કામ કરે છે એટલે જ પ્રજાનો વિશ્વાસ જીતી રહી છે.