ગિરનાર બચાવો મહારેલી: જૂનાગઢમાં સંતોની ગર્જના, અતિક્રમણ મુદ્દે સરકારને એક મહિનાનું અલ્ટીમેટમ
-
સાધુ-સંતો અને સનાતનીઓનો જબ્બર આક્રોશ; તમામ અખાડાઓ અને સંપ્રદાયો એક મંચ પર આવતા તંત્રમાં ફફડાટ
-
અતિક્રમણ અને બાંધકામ મુદ્દે લાલ આંખ- ઇકો સેન્સેટિવ ઝોનમાં ગેરકાયદે બાંધકામ કેવી રીતે? સંતોએ કર્યા તીખા સવાલ
-
જ્યોતિ નાથજી બાપુની કડક ચેતવણી- અંબાજીથી દત્તાત્રેય સુધીની વીજ લાઈન અને રોપ-વેના ભાવ ઘટાડવા સહિતની અનેક માંગણીઓ
જૂનાગઢની પવિત્ર તપોભૂમિ પર આજે ગિરનારની પવિત્રતા અને તેના સાંસ્કૃતિક વારસાને બચાવવા માટે ‘ગિરનાર બચાવો અભિયાન’ અંતર્ગત સનાતન ધર્મની એક અભૂતપૂર્વ મહારેલી યોજાઈ હતી. આ રેલીમાં ગિરનારના રક્ષણ કાજે વિવિધ અખાડાઓના સાધુ-સંતો અને હજારો સનાતનીઓએ એકઠા થઈને વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઝાંસીની રાણીના સર્કલ ખાતે આયોજિત વિશાળ સભામાં ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા ગિરનારની ગરિમા જાળવી રાખવા માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સભાની સૌથી મોટી વિશેષતા એ હતી કે, સનાતન ધર્મના તમામ સંપ્રદાયોના સાધુ-સંતોએ પરસ્પરના મતભેદો ભૂલીને એક મંચ પર એકત્રિત થઈ અજોડ એકતાનું પ્રદર્શન કર્યું હતું. જૂના અખાડા, અગ્નિ અખાડા, નાથ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય અને કિન્નર અખાડા સહિતના તમામ મહાનુભાવોએ ગિરનારના સંરક્ષણ માટે એકસૂરે અવાજ ઉઠાવ્યો હતો. સંતોએ ગિરનાર પર્વત પર થઈ રહેલા કથિત અતિક્રમણ સામે લાલ આંખ કરી હતી અને રાષ્ટ્રપતિને સંબોધીને તૈયાર કરાયેલું આવેદનપત્ર કલેક્ટરને સુપરત કર્યું હતું.
સંતોએ રજૂ કરેલા આવેદનપત્રમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે ગિરનાર ક્ષેત્રમાં પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. સીતાવનની આસપાસ આવેલા દુર્લભ ઔષધિય વૃક્ષોનું રક્ષણ કરવું અનિવાર્ય છે. સંતોએ દાવો કર્યો છે કે જંગલ વિસ્તારની હદમાં બિનઅધિકૃત રીતે ડેરીઓ અને નવા સ્મારકો બનાવવામાં આવ્યા છે, તેમજ પ્રાચીન જગ્યાઓના નામ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. સંતોની સ્પષ્ટ માંગ છે કે ગિરનાર ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના નવા સ્મારકો કે અગ્નિસંસ્કારની જગ્યાઓ ન બનવી જોઈએ અને ગેરકાયદે બાંધકામો તાત્કાલિક દૂર કરવા જોઈએ.
ગિરનારની આસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓમાં હનુમાન ધારા, ભરતવન અને બોરદેવી જેવી સનાતની સંસ્થાઓને વન વિભાગ દ્વારા નડતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કરાયો છે. સંતોએ આ જગ્યાઓ પર વીજ કનેક્શન આપવાની અને વાર્ષિક પાટોત્સવ ઉજવવાની કાયમી મંજૂરી માંગી છે. આ ઉપરાંત, ભવનાથ ક્ષેત્રમાં યોજાતા મહાશિવરાત્રી મેળાને ‘લઘુકુંભ’ તરીકેની સત્તાવાર ઓળખ આપવાની અને શ્રદ્ધાળુઓ માટે પાણી, શૌચાલય તથા રેલવેની વધારાની સુવિધાઓ આપવાની રજૂઆત કરવામાં આવી છે. અંબાજીના રોપ-વેના ભાવ ઘટાડવા અને ગિરનારની સીડીઓના જીર્ણોદ્ધાર માટે પણ માંગણી કરાઈ છે.
જ્યોતિ નાથજી બાપુએ વીડિયો સંદેશ દ્વારા સરકારને આડે હાથ લેતા સવાલ કર્યો હતો કે ઇકો સેન્સેટિવ ઝોન હોવા છતાં આટલા મોટા પાયે બાંધકામ કેવી રીતે થઈ શકે? તેમણે સ્પષ્ટ કર્યું કે ગિરનાર એ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે અને તેની પરંપરા સાથે છેડછાડ સહન કરવામાં આવશે નહીં. સાધુ-સંતોએ સરકારને આ તમામ મુદ્દાઓ પર વિચાર કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. જો નિર્ધારિત સમયમાં કોઈ સકારાત્મક કાર્યવાહી નહીં થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેના સમર્થનમાં આજે ભવનાથ ક્ષેત્રના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.