Loading Please Wait !!!
સિંહોના શંકાસ્પદ મોત બાદ ગિરનાર વન વિભાગ હાઈ એલર્ટ પર

  • ગીરના સાવજો પર મંડરાતા ખતરા વચ્ચે વનતંત્ર દ્વારા 24 કલાક સઘન મોનિટરિંગ શરૂ
  • દૂરબીનથી પેટ્રોલિંગ અને દૈનિક રિપોર્ટિંગ, સિંહબાળના સ્વાસ્થ્ય પર રખાતી કડક નજર
  • ડીસીએફ અક્ષય જોશીનો દાવો: ગિરનારમાં તમામ સિંહો અને સિંહબાળ હાલ સંપૂર્ણ તંદુરસ્ત

સિટી ન્યુઝ @ જુનાગઢ

ગીરના સરહદી વિસ્તારોમાં એશિયાટિક સિંહોના શંકાસ્પદ અને ચિંતાજનક મોતની ગંભીર ઘટનાઓ સામે આવ્યા બાદ સમગ્ર વન વિભાગ સફાળું જાગીને હાઇ એલર્ટ મોડ પર આવી ગયું છે. ગુજરાતનું ગૌરવ અને શાન ગણાતા સિંહો પર હવે મોટો ખતરો મંડળાઇ રહ્યો છે, ત્યારે વન તંત્ર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ બન્યું છે. ગીરની સાથે હવે પ્રખ્યાત ગિરનાર અભયારણ્યમાં વસતા સિંહો અને સિંહબાળની સુરક્ષા તેમજ તેમના સ્વાસ્થ્યને લઈને પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. વન વિભાગના સ્ટાફ દ્વારા 24 કલાક ખડેપગે રહીને દુર્ગમ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ખાસ દૂરબીનની મદદથી સાવજો પર કડક નજર રાખવામાં આવી રહી છે.

આ ગંભીર અને કટોકટીભરી પરિસ્થિતિ અંગે જુનાગઢના ડીસીએફ અક્ષય જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યમાં સિંહ અને સિંહ બાળનું સતત ઇન્ટેન્સિવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા અંતર્ગત તમામ સિંહોની શારીરિક તંદુરસ્તીની કાળજીપૂર્વક ચકાસણી કરાય છે અને તમામ આરએફઓ (RFO) પાસેથી આ અંગેનો દૈનિક ખાતરી અહેવાલ મેળવવામાં આવે છે. મેદાનમાં કાર્યરત સ્ટાફને ખાસ સત્તાવાર સૂચનાઓ અપાઈ છે કે કોઈપણ સિંહમાં અસ્વસ્થતા, નબળાઈ કે અસામાન્ય વર્તન દેખાય તો તાત્કાલિક વેટરનરી પશુચિકિત્સકોને જાણ કરી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવે.

વન વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી આ ડિવિઝનમાં સિંહોના બચાવ માટે ડી-વોર્મિંગ અને ડી-ટીકિંગની ખાસ નિવારક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના માટે સ્ટાફને જરૂરી માર્ગદર્શિકા એટલે કે એસઓપી (SOP) આપી દેવાઈ છે. ડી-વોર્મિંગ પ્રક્રિયા અંતર્ગત સિંહોને એવી ખાસ દવાઓ આપવામાં આવે છે જેનાથી તેમના પેટમાં રહેલા કીડા કે હાનિકારક કૃમિ બહાર નીકળી જાય છે. હાલની સ્થિતિએ ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યમાં તમામ સાવજો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને છેલ્લા એક અઠવાડિયાના સઘન ચેકિંગમાં કોઈ બીમારીના લક્ષણો મળ્યા નથી જે બહુ મોટા રાહતના સમાચાર છે.

ડી-ટીકિંગ પ્રક્રિયાથી સિંહો લોહીની ઉણપથી બચશે

વનતંત્ર દ્વારા હાથ ધરાયેલી ડી-ટીકિંગ પ્રક્રિયા દ્વારા સિંહોની ચામડી પર ચોંટેલી ઘાતક ઇતડીઓને ત્વરિત દૂર કરવામાં આવે છે. આ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી વન્યપ્રાણીઓ એનિમિક એટલે કે લોહીની ઉણપવાળા બનતા અટકે છે અને તેમને શારીરિક નબળાઈનો સામનો કરવો પડતો નથી. કોઈપણ ઈમરજન્સી સેવા માટે વન વિભાગની વેટરનરી ડોક્ટર્સની ટીમ દવાઓ અને પાંજરા સાથે ચોવીસ કલાક તૈનાત રાખવામાં આવી છે.