Loading Please Wait !!!
ગાંધીનગર દુષ્કર્મ કેસ: નરાધમને છેલ્લા શ્વાસ સુધી જેલની સજા

  • 4 વર્ષની બાળકી પર અત્યાચાર કરનાર રામનીત યાદવને આજીવન કેદ, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
  • માસૂમ પીડિતાને 10 લાખ રૂપિયાનું આર્થિક વળતર ચૂકવવા ફાસ્ટ ટ્રેક અદાલતનો કડક હુકમ
  • સેક્ટર-24 ના ઈન્દિરા નગરમાં રાત્રે ઘરમાં ઘૂસી માસૂમ બાળકીનું અપહરણ કરી આચર્યું હતું દુષ્કર્મ
  • ટેકનિકલ સર્વેલન્સની મદદથી 5 દિવસમાં ધરપકડ, રિ-કન્સ્ટ્રક્શન સમયે પગમાં મારી હતી ગોળી

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગાંધીનગરના સેક્ટર-24 માં આવેલા ઈન્દિરા નગર છાપરા વિસ્તારમાં 4 વર્ષની એક અત્યંત માસૂમ બાળકી સાથે થયેલા ઘાતકી અને હૃદય કંપાવી દેનારા દુષ્કર્મના કેસમાં કોર્ટે માત્ર સાડા પાંચ મહિનાના ટૂંકા ગાળામાં જ પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને અદાલતે મુખ્ય આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને કાયદેસર રીતે દોષિત ઠેરવીને તેને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની કડક સજા એટલે કે આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ ઉપરાંત અદાલતે ભોગ બનનાર માસૂમ પીડિત બાળકીને 10 લાખ રૂપિયાનું આર્થિક વળતર ચૂકવવાનો પણ વહીવટી તંત્રને સ્પષ્ટ આદેશ આપ્યો છે.

આ ભયાનક ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, 15 ડિસેમ્બર 2025 ના રોજ નરાધમ આરોપીએ ગાંધીનગરમાં બાળકીના ઘરની સંપૂર્ણ રેકી કર્યા બાદ રાત્રિના સમયે ઘરમાં ગુપ્ત રીતે ઘૂસીને સૂતેલી માસૂમ બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપી બાળકીને નજીકની અવાવરૂ ઝાડીઓમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે કાળજું કંપાવી દેનારું દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય બાદ આરોપી બાળકીને મૃત સમજીને ત્યાં જ લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો, પરંતુ થોડીવાર બાદ તે ફરીથી એ ચકાસવા પાછો આવ્યો હતો કે બાળકી જીવતી છે કે મરી ગઈ છે. જોકે બાળકી હોશમાં આવતા જ લથડતા પગે પરિવાર પાસે પહોંચી ગઈ હતી જેથી આરોપીના પાપનો પર્દાફાશ થયો હતો.

ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ આ મામલે જણાવ્યું હતું કે, અલગ-અલગ તપાસ એજન્સીઓના સંકલન અને એફએસએલ (FSL) ની મદદથી પોલીસે રાત-દિવસ સતત કામ કરીને માત્ર 13 દિવસના વિક્રમી સમયમાં કોર્ટ સમક્ષ મજબૂત ચાર્જશીટ તૈયાર કરી રજૂ કરી હતી. આ ગુનાની તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતો ત્યારે તેની નજર આ બાળકી પર પડી હતી અને તેણે 10 દિવસ અગાઉથી આખો પ્લાન ઘડ્યો હતો. ગુનો આચરીને તે પોતાના વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની સચોટ મદદથી તેને માત્ર 5 દિવસમાં જ દબોચી લીધો હતો.

પોલીસ પર હુમલો કરી ભાગતા આરોપી પર ફાયરિંગ

ધરપકડ બાદ જ્યારે પોલીસ આરોપીને ઘટનાસ્થળે ક્રાઇમ સીનના રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ પર હુમલો કરી ભાગવાની કોશિશ કરી હતી.આ સમયે પોલીસે આત્મરક્ષણ અને આ નરાધમને રોકવા માટે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. કોર્ટે ચુકાદામાં આકરો હુકમ કર્યો છે કે આરોપી જેલમાં મર્યા પછી જ તેની લાશ પરિવારને સોંપવામાં આવે.