ગાંધીનગરમાં એસીબીની મેગા ટ્રેપ: 5 લાખની લાંચ લેતા ક્લાસ-1 ઓફિસર ઝડપાયા
- ઉર્જા વિભાગના ભ્રષ્ટ અધિકારી અશ્વિન ચૌધરીની લક્ઝરી કારમાંથી જ લાંચની રોકડ રકમ મળી
- અશ્વિન ચૌધરીની ધરપકડ બાદ ગાંધીનગર, અમદાવાદ અને સુરતમાં એસીબીના પ્રચંડ દરોડા
- એસીબીના સફળ છટકામાં રંગેહાથ ઝડપાયા મુખ્ય વિદ્યુત નિરીક્ષક, તંત્રમાં ભારે ખળભળાટ
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાતમાં ભ્રષ્ટાચારી અને લાંચિયા સરકારી બાબુઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરીને બહુ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ-વન અધિકારી અશ્વિન ચૌધરીને 5 લાખ રૂપિયાની મસમોટી લાંચ લેતા રંગેહાથ દબોચી લેવામાં આવ્યા છે. એસીબીના આ સફળ અને સચોટ છટકા બાદ જ્યારે ભ્રષ્ટ અધિકારીના અલગ-અલગ રહેણાક લોકેશન પર રાઉન્ડ ધ ક્લોક દરોડા પાડવામાં આવ્યા, ત્યારે ત્યાંથી મળેલી અઢળક બેનામી સંપત્તિ જોઈને ખુદ તપાસ કરનારા ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
મળતી સત્તાવાર વિગતો અનુસાર, એક જાગૃત અરજદારે સોલાર પેનલ લગાવવા માટે જરૂરી એનઓસી (NOC - નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવાનું હતું. આ સત્તાવાર સરકારી મંજૂરી આપવાના અવેજમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીએ 5 લાખ રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. અરજદાર આ ભ્રષ્ટાચારના ભાગ બનવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદના આધારે એસીબીએ ગોઠવેલી ગુપ્ત વોચ દરમિયાન કમિશનની આ કાળી કમાણી સ્વીકારતા જ આ ક્લાસ-વન ઓફિસરને તેમની લક્ઝરી કારમાંથી રોકડા રૂપિયા સાથે દબોચી લેવાયા હતા.
આ સફળ ઓપરેશન બાદ એસીબીની અલગ-અલગ ટીમો દ્વારા આરોપી અધિકારીના ગાંધીનગર, અમદાવાદ અને સુરત સ્થિત રહેઠાણો પર એકસાથે મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના વી.આઈ.પી. રોડ પર વેસુ વિસ્તારમાં આવેલી પોશ સોસાયટી 'શિલ્પ રેસિડેન્સી' ના ફ્લેટ નંબર બી-405 માંથી અધધ મિલકત મળી આવી છે. તપાસ દરમિયાન જુદા-જુદા સ્થાનો પરથી કુલ 1 કરોડ 76 લાખ રૂપિયાની માત્ર બિનહિસાબી રોકડ તથા 88 લાખ 82 હજાર રૂપિયાના સોના-ચાંદીના કિંમતી દાગીના અને 5 લાખ 51 હજાર રૂપિયાના ગિફ્ટ વાઉચર્સ જપ્ત કરાયા છે.
ભ્રષ્ટ અધિકારી પાસેથી કુલ 2.64 કરોડનો મુદ્દામાલ જપ્ત
એસીબીએ લાંચિયા અધિકારીના ઘર અને વાહનોના ખૂણે-ખૂણેથી સર્ચ કરીને કુલ 2 કરોડ 64 લાખ રૂપિયાની અપ્રમાણસર અસ્કયામતો સત્તાવાર રીતે જપ્ત કરી છે. આરોપી અશ્વિન ચૌધરી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કડક કલમો હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બેંક લોકર્સ અને અન્ય બેનામી રોકાણો ખૂલતા આ આંકડો હજુ ઘણો ઉપર જાય તેવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.