GTU ના CCC પરીક્ષા કૌભાંડમાં નક્કર નિરાકરણ નહીં!
- 39 ઉમેદવારોના પરિણામમાં ગોટાળા છતાં બઢતી-પગારધોરણ લાભ!
- સસ્પેન્ડ અધિકારીઓને 75% પગાર, તપાસ અધૂરી હોવાની ફરિયાદ!
- 2018 ની ફરિયાદ બાદ 2024 માં બે અધિકારી સસ્પેન્ડ!
સિટી ન્યુઝ @ અમદાવાદ
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) ના ટ્રિપલ સી (CCC) પરીક્ષાના ગુણ સુધારણા કૌભાંડમાં બે વર્ષથી વધુ સમયથી તપાસ ચાલી રહી હોવા છતાં કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી, જ્યારે પરિણામમાં ગોટાળા થયાનો રિપોર્ટ હોવા છતાં 39 ઉમેદવારોને બઢતી અને ઉચ્ચતર પગારધોરણનો લાભ મળી ચૂક્યો છે.
વર્ષ 2018માં પરિણામમાં છેડછાડની ફરિયાદ બાદ આંતરિક તપાસમાં ટેક્નિકલ ખામી જણાવાઈ હતી, પરંતુ ત્યારબાદ બહારના ત્રણ એક્સપર્ટ સભ્યોની કમિટીએ 39 ઉમેદવારોના પરિણામમાં ગોટાળા થયાનો રિપોર્ટ આપતાં ઓક્ટોબર 2024માં આઈટી સેક્શન અધિકારી અને નેટવર્ક એડમિન અધિકારીને સસ્પેન્ડ કરી અન્ય કોલેજમાં બદલીથી મુકાયા હતા.
ખાતાકીય તપાસ હજુ પૂર્ણ થઈ નથી અને ગોટાળાવાળા 39 ઉમેદવારોને પૂછપરછ માટે બોલાવાયા નથી કે રાજ્ય સરકારને જાણ પણ કરાઈ નથી, જેના કારણે તેઓએ બઢતી અને ઉચ્ચતર પગારધોરણના લાભ મેળવી લીધા છે.
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓનું સસ્પેન્શન વધુ છ મહિના લંબાવીને 75 ટકા પગાર ચૂકવાઈ રહ્યો છે, જ્યારે આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ, પરિણામ અટકાવવા કે સજા અંગે કોઈ કાર્યવાહી ન થતાં તપાસ માત્ર કાગળ પર ચાલતી હોવાની ફરિયાદો ઉઠી છે.
પરીક્ષા વ્યવસ્થા, ખાતાકીય તપાસ અને જવાબદારી નિશ્ચિતતા
જાહેર પરીક્ષાઓ અને પરિણામ પ્રક્રિયામાં પારદર્શકતા અને સમયસર તપાસ વહીવટી વિશ્વસનીયતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અનિયમિતતાના મામલામાં સ્પષ્ટ નિર્ણયો અને જવાબદારી નિશ્ચિત થવી જરૂરી રહે છે.