Loading Please Wait !!!
ભાવનગરમાં પનીરના શોખીનો સાવધાન! ફૂડ વિભાગની તપાસમાં પનીરનું સેમ્પલ ‘સબસ્ટાન્ડર્ડ’

  • લેબોરેટરી રિપોર્ટમાં મિલ્ક ફેટ ઓછું અને જોખમી તત્વો મળી આવ્યા; પેઢી સામે થશે કડક કાર્યવાહી
  • મિલ્ક ફેટની જગ્યાએ ભેળસેળિયા તત્વોનો ખુલાસો; જિલ્લા ફૂડ વિભાગે ૨૭ નમૂના મેળવી તપાસ તેજ કરી
  • ચૂંટણી કામગીરી વચ્ચે પણ ખાધ્ય સામગ્રીનું ચેકિંગ; રિપોર્ટ આવ્યા બાદ કેસ દાખલ કરવાની તૈયારી

સિટી ન્યુઝ @ ભાવનગર 

ભાવનગર અને બોટાદ જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં ખાદ્ય સામગ્રીની શુદ્ધતા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. ભાવનગર તાલુકાની એક પેઢીમાંથી લેવાયેલ પનીરનું લૂઝ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગમાં ‘સબસ્ટાન્ડર્ડ’ સાબિત થયું છે. આ સેમ્પલમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું અને અન્ય તત્વોનું બી.આર. રીડિંગ વધારે આવતા, તે લોકોના આરોગ્ય માટે જોખમકારક હોવાનું સાબિત થયું છે.

જિલ્લા ફૂડ વિભાગ દ્વારા શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક સુનિશ્ચિત કરવાના હેતુથી ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકા મથકો જેવા કે પાલિતાણા, ગારિયાધાર, સિહોર, તળાજા અને મહુવા ખાતેથી કુલ ૨૭ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં દૂધ, ઘી, તેલ, મીઠાઈ, ફરસાણ અને પનીર જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. જ્યારે બોટાદ જિલ્લાના રાણપુર, ગઢડા અને બરવાળામાંથી મીઠાઈ અને આઈસ્ક્રીમ સહિતના ૯ નમૂના મેળવીને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

ફૂડ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જે પેઢીનું પનીર સેમ્પલ ફેઈલ આવ્યું છે તેને અત્યારે અપીલની તક આપવામાં આવી છે. પુનઃ ચકાસણીમાં પણ જો પરિણામ નકારાત્મક આવશે, તો સંબંધિત પેઢી સામે કોર્ટમાં કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલના સમયમાં પંજાબી શાકમાં પનીરનો વ્યાપક ઉપયોગ થતો હોય ત્યારે આ પ્રકારની ગેરરીતિ ચિંતાનો વિષય બની છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કામગીરીમાં ફૂડ ઇન્સ્પેક્ટરો વ્યસ્ત હોવાને કારણે સેમ્પલિંગની કામગીરીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, તેમ છતાં વિભાગે મહત્વની તપાસ ચાલુ રાખી હતી. આગામી દિવસોમાં લેબોરેટરીમાં મોકલેલા અન્ય નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ વધુ કેટલીક પેઢીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા સેવાઈ રહી છે.