Loading Please Wait !!!
જામનગર: પોલીસના ડરે શ્રમિકે રૂમ પરથી મારી છલાંગ, પથ્થર પર પટકાતા માથું ફાટી ગયું અને કરુણ મોત

 

  • લાલપુરના પડાણા ગામની વિચિત્ર દુર્ઘટના; 112 ની ગાડી આવતા જ ગભરાયેલા પંજાબી શ્રમિકે જીવ ગુમાવ્યો

  • બોલાચાલી બાદ કોઈએ 112 પર કોલ કર્યો અને સર્જાયો કાળમુખો બનાવ; મેઘપર પોલીસે હાથ ધરી તપાસ

  •  અમૃતસરના 51 વર્ષીય બલજીતસિંહનું કમકમાટીભર્યું મૃત્યુ; બોલાચાલીની સામાન્ય ઘટના મોતમાં પરિણમી

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક અત્યંત વિચિત્ર અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. પોલીસ પકડી જશે તેવી ભીતિએ એક પરપ્રાંતીય શ્રમિકે પોતાના રૂમ પરથી નીચે છલાંગ લગાવી હતી, જેમાં પથ્થર પર પટકાતા ગંભીર ઈજાઓને કારણે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે.

    સામાન્ય બોલાચાલી બાદ પોલીસ બોલાવાઈ મળતી વિગતો અનુસાર, મૂળ પંજાબના અમૃતસરના વતની અને હાલ પડાણામાં મજૂરી કામ કરતા ૫૧ વર્ષીય બલજીતસિંહ મખનસિંહ ૧૮ એપ્રિલના રોજ વહેલી સવારે પોતાના રૂમમાં અન્ય વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી રહ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ૧૧૨ ઇમર્જન્સી સેવા પર કોલ કરતાં પોલીસની જનરક્ષક ગાડી સ્થળ પર પહોંચી હતી.

    ગભરાટમાં લીધો જીવલેણ નિર્ણય પોલીસની ગાડી જોતા જ બલજીતસિંહ ગભરાઈ ગયા હતા અને પોલીસ પકડશે તેવા ડરથી બચવા માટે તેમણે રૂમ પરથી નીચે કૂદકો માર્યો હતો. કમનસીબે, તેઓ નીચે પડેલા પથ્થર પર પટકાતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

    પોલીસ તપાસ શરૂ આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ આકસ્મિક મૃત્યુની નોંધ કરવામાં આવી છે. સામાન્ય બોલાચાલીમાં પોલીસની એન્ટ્રી થતા જ સર્જાયેલા આ કરુણ અંજામે અનેક સવાલો ઉભા કર્યા છે. મેઘપર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે ખરેખર કયા કારણોસર બલજીતસિંહ આટલી હદે ગભરાઈ ગયા હતા.