Loading Please Wait !!!
બોગસ ડૉક્ટરને એવોર્ડ મળતા સુરતમાં ભારે હોબાળો!

  • મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે સન્માન બાદ વિવાદ વકર્યો!
  • ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને એવોર્ડ અપાતા આશ્ચર્ય!
  • આયોજકોની ગંભીર બેદરકારી સામે તબીબોની ઉગ્ર નારાજગી!

સિટી ન્યુઝ @ સુરત : સુરતમાં બોગસ તબીબો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે તે ટાણે વર્ષ 2024માં પોલીસ દ્વારા પકડાયેલા એક બોગસ ડૉક્ટરને મંત્રીના હસ્તે એવોર્ડ અપાતા ભારે હોબાળો મચી ગયો છે.

નવસારી SOG દ્વારા અગાઉ ગુનો નોંધીને જેલભેગા કરાયેલા શખ્સને 4 ઓક્ટોબર 2026ના રોજ રાજ્યના મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 'આયુર્વેદ સેવા રત્ન' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

'વંદે આયુકોન-3' નામક ભવ્ય કોન્ફરન્સમાં બનેલી આ ઘટનાથી પ્રામાણિક તબીબો સ્તબ્ધ થઈ ગયા હતા અને 57થી વધુ આયુર્વેદિક તબીબોએ દિલ્હી ખાતે NCISMમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

વિવાદ વકરતા અને આયોજકોની સ્ક્રીનિંગ પ્રક્રિયા સામે સવાલો ઉભા થતા આખરે આ એવોર્ડ તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવામાં આવ્યો છે.

આ મામલે આયુર્વેદિક એસોસિયેશનના અગ્રણીઓએ સ્પષ્ટતા કરી છે કે મોટી સંખ્યામાં ડૉક્ટરો ઉપસ્થિત હોવાને કારણે દરેકનું વેરિફિકેશન થઈ શક્યું નહોતું, જેના કારણે આ ભૂલ સર્જાઈ હતી.

બોગસ ડૉક્ટર સન્માન વિવાદ અને વહીવટી તંત્રની બેદરકારી

સુરતમાં યોજાયેલા 'વંદે આયુકોન-3' સંમેલનમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા બોગસ ડૉક્ટરને મંત્રીના હસ્તે સન્માનિત કરવાની આ ઘટના આયોજકોની ગંભીર બેદરકારી અને વહીવટી છબરડાની पोल ખોલે છે. જ્યારે તબીબી આલમમાં પ્રમાણિકતાથી સેવા આપતા ડોક્ટરોની કમી નથી, ત્યારે માત્ર ઓનલાઇન અરજીના આધારે ગુનાહિત ઇતિહાસની ચકાસણી વગર એવોર્ડ આપી દેવો એ સમગ્ર વ્યવસ્થા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. તબીબો દ્વારા કરાયેલી કડક ફરિયાદો અને વિરોધ બાદ એવોર્ડ તો પાછો ખેંચી લેવાયો છે, પરંતુ આવા તત્વોને મંચ સુધી પહોંચાડનાર જવાબદારો સામે કડક પગલાં લેવા અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં આવી શરમજનક ઘટનાઓનું પુનરાવર્તન અટકી શકે.