Loading Please Wait !!!
સયાજી હોસ્પિટલમાં તબીબોની હડતાળ સમેટાઈ: 60 જવાનોની ટાસ્ક ફોર્સ તૈનાત કરાશે

સરકાર તરફથી સુરક્ષાની ખાતરી મળતા ડોક્ટરો કામ પર પરત ફર્યા; મેડિકલ એજ્યુકેશન વિભાગે લીધો નિર્ણય.

ડોક્ટરો સાથેની મારામારી બાદ સરકાર એક્શનમાં; હોસ્પિટલ પરિસરમાં 60 જવાનોનો પહેરો રહેશે.

એડિશનલ ડાયરેક્ટરની બેઠક બાદ તબીબો સહમત; સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના આદેશ.

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરાની સયાજી હોસ્પિટલમાં (SSG) છેલ્લા ત્રણ દિવસથી ચાલતી રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળનો આખરે સુખદ અંત આવ્યો છે. બુધવારે કોલ્ડરૂમમાં રાખેલો એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ સ્થિતિમાં મળતા ઉશ્કેરાયેલા NRI પરિવાર દ્વારા તબીબો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં તબીબોએ પોતાની સુરક્ષાની માંગણી સાથે હડતાળ પાડી હતી. સરકાર તરફથી સુરક્ષાનું લેખિત આશ્વાસન મળતા તબીબોએ તેમનું આંદોલન સમેટી લેવાનો નિર્ણય કર્યો છે.

મેડિકલ એજ્યુકેશન વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડો. જયેશ સચદૈવ વડોદરા દોડી આવ્યા હતા અને તબીબો તેમજ હોસ્પિટલ વ્યવસ્થાપન સાથે વિસ્તૃત બેઠક યોજી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, ભવિષ્યમાં તબીબો પર હુમલાની ઘટનાઓ અટકાવવા માટે હોસ્પિટલમાં 'રેપિડ ટાસ્ક ફોર્સ' તૈનાત કરવામાં આવશે. આ ટાસ્ક ફોર્સમાં કુલ 60 સુરક્ષા જવાનોની ટુકડી સતત ખડેપગે હાજર રહેશે, જેથી તબીબો નિર્ભયતાથી પોતાની સેવા આપી શકે.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, 29 એપ્રિલે એક મહિલાના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો, જે યોગ્ય જાળવણીના અભાવે કોહવાઈ ગયો હતો. વિદેશથી આવેલા પરિવારજનોએ જ્યારે આ સ્થિતિ જોઈ ત્યારે હોસ્પિટલ સ્ટાફની બેદરકારી બદલ રોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન તબીબો અને પરિવારજનો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ થયું હતું અને તબીબોને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા હતા.

તબીબ પર થયેલા હુમલાની આ ઘટનામાં પોલીસ વિભાગે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 12 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અગાઉ પકડાયેલા 3 આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, જ્યારે 30 એપ્રિલે વધુ 9 શખસોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ તેજ બનાવી છે.

તબીબોની હડતાળ સમેટાઈ જતા સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા હજારો દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા હવે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા અને સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સરકારના આ હકારાત્મક અભિગમથી તબીબોએ ફરીથી પોતાની ફરજ પર હાજર થઈને હોસ્પિટલની કામગીરી સુચારૂ રૂપે શરૂ કરી દીધી છે.