Loading Please Wait !!!
જામનગરના કાલાવડ નાકા પર બુલડોઝર ફર્યા: વર્ષો જૂના પુલનું ડિમોલેશન શરૂ

  • રંગમતી નદી પર 100 મીટર લાંબો આધુનિક ફોરલેન પુલ આકાર લેશે; ટ્રાફિક ડાયવર્ટ કરાયો.
  • મહાનગરપાલિકા દ્વારા નવા પુલ માટે પાઈલ ફાઉન્ડેશન કામગીરી તેજ; જૂનો પુલ જોખમી જાહેર.
  • પ્રિકાસ્ટ ગર્ડર ટેકનોલોજીથી નિર્માણ થશે; ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે કાયમી મુક્તિ.

સિટી ન્યુઝ @ જામનગર : જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી પર આવેલો વર્ષો જૂનો પુલ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પુલના સ્થાને નવો, મજબૂત અને આધુનિક ફોરલેન પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, જૂના પુલની હાલત અત્યંત નબળી હોવાથી તે જોખમકારક બન્યો હતો, જેના કારણે ડિમોલેશન કાર્ય હાથ ધરાયું છે.

નવો ફોરલેન પુલ આશરે 100 મીટર લાંબો અને બંને બાજુ 7.50 મીટર પહોળો હશે. આ પ્રોજેક્ટમાં આધુનિક 'પ્રિકાસ્ટ ગર્ડર લોન્ચિંગ ટેક્નોલોજી' સાથે પાઈલ ફાઉન્ડેશન પદ્ધતિનો ઉપયોગ થશે. પુલ બંધ થવાથી વાહન વ્યવહાર પર અસર ન પડે તે માટે વૈકલ્પિક હંગામી રસ્તો તૈયાર કરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી અને તેમની ટીમ સમગ્ર પ્રોજેક્ટની વ્યવસ્થા સંભાળી રહી છે. નવા પુલના નિર્માણ બાદ આ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.