Loading Please Wait !!!
જામનગરના માજી રાજવીને ‘ભારત રત્ન’ આપવાની માંગ: પીએમના આગમન ટાણે બેનર લાગ્યા

  • રતનબાઈ મસ્જિદ ટ્રસ્ટે કરી અપીલ; શત્રુશલ્યસિંહજી જાડેજાના સામાજિક પ્રદાનને સન્માનવાની લાગણી
  • નવાનગરના 17મા જામ સાહેબના પર્યાવરણ અને લોકહિતના કાર્યોને દેશના સર્વોચ્ચ સન્માનની માંગ
  • રાજવી પરિવારના ઐતિહાસિક યોગદાનને બિરદાવવા વડાપ્રધાન સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ

સિટી ન્યુઝ @ જામનગર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર પ્રવાસ દરમિયાન શહેરના માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' એનાયત કરવાની પ્રબળ માંગ ઉઠી છે. શહેરના રતનબાઈ મસ્જિદ ટ્રસ્ટ દ્વારા વિવિધ સ્થળોએ બેનરો અને પોસ્ટરો લગાવીને વડાપ્રધાન સમક્ષ આ લાગણી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પીએમના સ્વાગતની તૈયારીઓ વચ્ચે લાગેલા આ પોસ્ટરો હાલમાં સમગ્ર જામનગર શહેરમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

રતનબાઈ મસ્જિદ ટ્રસ્ટના આગેવાનોએ આ અંગે જણાવ્યું હતું કે, જામનગરના સર્વાંગી વિકાસ, લોકહિતના કાર્યો અને સામાજિક સમરસતા જાળવવામાં માજી રાજવી પરિવારનું યોગદાન અજોડ રહ્યું છે. પેઢીઓથી ચાલી આવતી સેવાકીય પરંપરા અને જનતા પ્રત્યેના લગાવને ધ્યાનમાં રાખીને માજી રાજવી શત્રુશલ્યસિંહજીને 'ભારત રત્ન'થી સન્માનિત કરવામાં આવે તેવી લોકલાગણી છે. આ જ સંદેશ વડાપ્રધાન સુધી પહોંચે તે હેતુથી આ અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા જામનગરના પ્રખ્યાત રાજવી અને દિગ્ગજ ક્રિકેટર જામ સાહેબ દિગ્વિજયસિંહજીના પુત્ર છે. નવાનગર રિયાસતના પરંપરાગત ૧૭મા જામ સાહેબ તરીકે તેઓ જામનગરના ઇતિહાસ સાથે અતૂટ રીતે જોડાયેલા છે. તેઓ માત્ર એક રાજવી જ નહીં પરંતુ અત્યંત સંવેદનશીલ પક્ષી અને વન્યજીવ પ્રેમી તરીકે પણ જાણીતા છે. ખાસ કરીને જામનગરના ગૌરવ સમાન લાખોટા તળાવ અને શહેરના અન્ય પર્યાવરણીય વારસાની જાળવણીમાં તેમનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે.

હાલમાં શત્રુશલ્યસિંહજી જામનગરના પેલેસમાં નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. તેઓ ભાગ્યે જ કોઈ જાહેર કાર્યક્રમોમાં જોવા મળે છે, પરંતુ જામનગરની જનતામાં આજે પણ 'બાપુ' તરીકે તેમનું સન્માન અને લોકપ્રિયતા અકબંધ છે. લોકો તેમને માન-સન્માનની દૃષ્ટિએ જુએ છે અને તેમના મૃદુ સ્વભાવ તેમજ સાદગીને કારણે તેઓ દરેક જ્ઞાતિ-જાતિના લોકોમાં આદરણીય છે. ટ્રસ્ટ દ્વારા પીએમના પ્રવાસના સમયે જ આ માંગણી ઉઠાવવામાં આવતા રાજકીય વર્તુળોમાં પણ તેની નોંધ લેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જામનગરમાં રાત્રિ રોકાણ કરી રહ્યા છે અને ત્યારબાદ સોમનાથ તથા વડોદરા જવાના છે, ત્યારે જામનગરના આંગણેથી ઉઠેલી આ માંગણી કેટલી ફળે છે તે તો સમય જ બતાવશે. જોકે, સોશિયલ મીડિયાથી લઈને શહેરના ચોકમાં આ પોસ્ટરોએ એક નવી ચર્ચા જગાવી છે. જામનગરના માજી રાજવી પરિવારના ઐતિહાસિક યોગદાનને જોતા, આ પ્રકારની માંગણીને જનતાનો પણ વ્યાપક ટેકો મળી રહ્યો હોય તેવું જણાય છે.