સ્વામિનારાયણ સંતના વિવાદિત તર્ક પર ઇન્દ્રભારતી બાપુ લાલઘૂમ: 'આ અજ્ઞાનતાની પરાકાષ્ઠા છે'
- ગણપતિ અને ઘનશ્યામ મહારાજને માસિયાઈ ભાઈ ગણાવતા જૂનાગઢના સંતોમાં ભારે રોષ
- શાસ્ત્રો સાથે છેડછાડ કરનારા તત્વો સામે સનાતન ધર્મના સંતોએ બાયો ચડાવી
- "આવા લોકો ક્યાંથી તર્ક લાવે છે?" - ઇન્દ્રભારતી બાપુએ પાયાવિહોણા દાવાઓને ફગાવ્યા
જૂનાગઢ | સિટી ન્યૂઝ : સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા ભગવાન ગણપતિ અને ઘનશ્યામ મહારાજને 'માસિયાઈ ભાઈ' ગણાવતા વાયરલ વીડિયોએ ગુજરાતના સંત સમાજમાં ભારે વિવાદ છેડ્યો છે. આ નિવેદન સામે જૂનાગઢના ભવનાથ ક્ષેત્રના અગ્રણી સંત અને રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ અત્યંત આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે આ તર્કને પાયાવિહોણો ગણાવતા સવાલ કર્યો છે કે, "આમને કોઈ બુદ્ધિ જેવું છે કે નહીં?"
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્વામિનારાયણ સંત દાવો કરી રહ્યા છે કે, દક્ષ પ્રજાપતિની પુત્રીઓના લગ્ન ધર્મદેવ અને ભગવાન ભોળાનાથ સાથે થયા હતા, જેના આધારે ભક્તિ દેવી અને માતા ભવાની સગી બહેનો થાય. આ તર્કના આધારે તેમણે ગણપતિજી અને ઘનશ્યામ મહારાજને માસિયાઈ ભાઈઓ ગણાવ્યા છે. આ નિવેદન સામે રોષ વ્યક્ત કરતા ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું કે, ભગવાન ગણપતિ તો અનાદિ કાળથી અસ્તિત્વ ધરાવે છે. ખુદ ભોળાનાથના લગ્ન પ્રસંગે પણ ગણપતિજીની હાજરીનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, જ્યારે સ્વામિનારાયણ ભગવાનના પ્રાદુર્ભાવને હજુ માંડ 200-250 વર્ષનો જ સમય થયો છે.
ઇન્દ્રભારતીએ વધુમાં ઉમેર્યું કે, સનાતન ધર્મના મૂળભૂત પાયા અને પ્રાચીન દેવી-દેવતાઓના સ્વરૂપ સાથે આવી છેડછાડ કરવી એ અક્ષમ્ય અપરાધ સમાન છે. તેમણે આક્રોશ સાથે કહ્યું કે, "આવા લોકો ક્યાંથી આવા ખોટા તર્ક શોધી લાવે છે તે સમજવું મુશ્કેલ છે. આવા પાયાવિહોણા નિવેદનો સાંભળીને મર્યાદા ભૂલી જવાય તેવી સ્થિતિ પેદા થાય છે." આ અજ્ઞાનતાની પરાકાષ્ઠા હોવાનું જણાવી તેમણે સનાતન પરંપરાના અપમાન સામે લાલઘૂમ તેવર બતાવ્યા છે.
હાલમાં આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ નિવેદનનો સખત વિરોધ કરી રહ્યા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના તે સંત પાસે જાહેર માફીની માંગણી કરી રહ્યા છે. સાધુ સમાજમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો સમયાંતરે હિન્દુ દેવી-દેવતાઓના અસ્તિત્વ અને સંબંધો વિશે આવા અયોગ્ય નિવેદનો અટકાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સનાતન ધર્મના સંતો દ્વારા ઉગ્ર આંદોલન અથવા કાયદાકીય પગલાં પણ લેવામાં આવી શકે છે.
જૂનાગઢના સંતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે ધાર્મિક લાગણીઓ દુભાવતા આવા નિવેદનો ચલાવી લેવામાં આવશે નહીં. સનાતન ધર્મના પૌરાણિક સત્યોને પોતાની રીતે તોડી-મરોડીને રજૂ કરવાના પ્રયાસોને રોકવા માટે હવે સાધુ સમાજ એકજૂથ થઈ રહ્યો છે. આ વિવાદ આગામી દિવસોમાં વધુ વરવું સ્વરૂપ લે તેવી શક્યતા સેવાઈ રહી છે, કારણ કે ભક્તોમાં પણ આ નિવેદનને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે.