Loading Please Wait !!!
ગુજરાતમાં બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું!

  • રાષ્ટ્રીય સરેરાશ કરતાં પાંચ ગણું વધુ ડાયાબિટીસનું જોખમ!
  • દર સો માંથી ત્રણ બાળકો આ બીમારીથી પ્રભાવિત!
  • શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું!

સિટી ન્યુઝ @ અમદાવાદ 

ડાયાબિટીસ હવે માત્ર મોટી ઉંમરના લોકો પૂરતો મર્યાદિત રોગ રહ્યો નથી, પરંતુ બાળકો અને કિશોરોમાં પણ આ બીમારીનું જોખમ ઝડપથી વધી રહ્યું છે, જેમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે સામે આવેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં ૧૦ થી ૧૯ વર્ષનાં બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ ૨.૯ ટકા નોંધાયું છે, જે દેશની ૦.6 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ પાંચ ગણું વધારે છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)-5 ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ૧૫ વર્ષથી વધુ ઉંમરના ૧૬ ટકા પુરુષો અને ૧૪.૮ ટકા મહિલાઓમાં બ્લડ શુગરનું સ્તર ઊંચું છે, અને ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ વધુ જોવા મળ્યું છે, જ્યારે રાજ્યમાં દર પાંચમાંથી એક બાળકના લોહીમાં શુગરનું પ્રમાણ પ્રિ-ડાયાબિટીસની સ્થિતિ સૂચવે છે.

બાળકોમાં ટાઇપ-૧ ડાયાબિટીસનું સમયસર નિદાન ન થાય તો ડાયાબિટીક કીટોએસિડોસિસ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી વારંવાર પેશાબ આવવો, વજન ઘટવું, સતત થાક લાગવો અને વારંવાર ભૂખ લાગવી જેવાં લક્ષણો જણાય તો તબીબી તપાસ કરાવવી અનિવાર્ય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શન મુજબ બે વર્ષથી નાનાં બાળકોને બહારથી ઉમેરેલી ખાંડ ન આપવી જોઈએ અને ૨ થી ૧૮ વર્ષનાં બાળકો માટે દૈનિક વધુમાં વધુ ૨૫ ગ્રામ એટલે કે ૬ નાની ચમચી ઉમેરેલી ખાંડની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. રમેશ ગોયેલના જણાવ્યા અનુસાર બાળકોને આ ગંભીર બીમારીથી બચાવવા માટે નિયમિત શારીરિક કસરત, પૌષ્ટિક આહાર અને ખાંડયુક્ત તથા પ્રોસેસ્ડ ફૂડના સેવન પર કડક નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે.

બાળકોનું સ્વાસ્થ્ય અને આહારનું આયોજન

આજના આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલી અને જંક ફૂડની આદતો બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી રહી છે. માતા-પિતાએ બાળકોના ખાનપાન અને દૈનિક શારીરિક પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપીને તેમને સ્વસ્થ ભવિષ્ય તરફ દોરવા જોઈએ.