Loading Please Wait !!!
ગુજરાતમાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ: 1.10 લાખ કર્મચારીઓ મેદાનમાં

 

  • આઝાદી પછીની 8 મી જનગણના માટે વહેલી સવારથી ઘરે-ઘરે શરૂ થઈ હાઉસ લિસ્ટિંગની કામગીરી

  •  નાગરિકોને પોતાની આવક, દસ્તાવેજો કે બેંક એકાઉન્ટની ડિટેલ્સ ન આપવા તંત્રનો મોટો આદેશ

  • મનપા અને વહીવટી તંત્ર દ્વારા 11 તાલુકા તેમજ 6 નગરપાલિકામાં સુચારુ આયોજન

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આજથી 'વસતી ગણતરી-2027' ના પ્રથમ તબક્કાનો અત્યંત વ્યાપક અને વિધિવત પ્રારંભ થઈ ગયો છે. ભારત દેશની આ 16 મી અને આઝાદી પછીની 8 મી જનગણના તરીકે ઇતિહાસના પાના પર અંકિત થનારી આ સમગ્ર પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે અત્યાધુનિક ડિજિટલ માધ્યમ અને જિયો-મેપિંગ ટેક્નોલોજીથી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈને સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ નાગરિક જાણીજોઈને ખોટી વિગત આપશે કે ઇનકાર કરશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

આ મહાઅભિયાન અંતર્ગત રાજ્યભરમાં પ્રથમ તબક્કા તરીકે હાઉસ લિસ્ટિંગ (ઘરયાદી) અને હાઉસિંગ સેન્સસ ઓપરેશનની કામગીરી શરૂ થઈ છે, જેમાં આશરે 1 લાખ 10 હજાર તાલીમબદ્ધ ગણતરીકારો અને 12 હજાર સુપરવાઈઝરની વિશાળ ટીમો સીધી ફિલ્ડમાં ઉતરી છે. આ ગણતરીકારો પ્રત્યેક વિસ્તારમાં ઘરે-ઘરે જઈને ડિજિટલ માધ્યમથી 33 પ્રશ્નોની વિસ્તૃત માહિતી એકત્રિત કરશે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે મુજબ જનતાએ ગણતરીકારોને પોતાની વ્યક્તિગત આવક, ખાનગી દસ્તાવેજો કે બેંક ખાતાની ગુપ્ત વિગતો બિલકુલ આપવાની રહેશે નહીં.

બીજી તરફ, રાજકોટ જિલ્લામાં પણ આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અન્વયે આજથી વ્યાપક કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. રાજકોટ અધિક જિલ્લા વસ્તીગણતરી અધિકારીની કચેરીના જણાવ્યા મુજબ, જિલ્લાના 11 તાલુકા, 6 નગરપાલિકા વિસ્તાર તેમજ 1 ઔદ્યોગિક નોટિફાઈડ એરિયાને આવરી લેવા માટે 2711 ગણતરીદારો અને 446 સુપરવાઇઝર્સને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર 12 ના ચાર્જ ઓફિસર રાજેશ ચત્રભુજે જણાવ્યું હતું કે તમામ સ્ટાફને તેમના નિયત બ્લોકની ફાળવણી અગાઉથી જ કરી દેવાઈ છે અને ફિલ્ડમાં નાગરિકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

સ્વ-ગણતરી કરનારા નાગરિકોના ડેટાની ફિલ્ડમાં થશે સઘન ખરાઈ

અગાઉ જાહેર કરાયેલા 25 પ્રશ્નોની ઓનલાઈન સ્વ-ગણતરી પ્રક્રિયામાં જે લોકોએ માહિતી ભરી દીધી છે, તેમના ઘરોની પણ ગણતરીદારો રૂબરૂ મુલાકાત લેશે. જો કોઈ નાગરિકને અગાઉ ભરેલી વિગતોમાં કોઈ સુધારો કરાવવો હોય તો તેઓ સ્થળ પર જ ગણતરીકારને નવી માહિતી આપી શકશે. ફિલ્ડ સ્તરે કોઈપણ અણધાર્યા સંજોગોને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા 271 ગણતરીદારો અને 48 સુપરવાઇઝર્સને અનામત (રિઝર્વ) રાખવામાં આવ્યા છે.