સુરતમાં સી.આર. પાટીલની ‘આપ’ને રણશિંગુ: “તાકાત હોય તો ૨૭ બેઠકો જાળવી બતાવો, જનતા પસ્તાઈ રહી છે”
-
પાંડેસરામાં ‘ચાય પે ચર્ચા’ માં કેન્દ્રીય મંત્રીના આકરા પ્રહાર; કોંગ્રેસનું ખાતું પણ નહીં ખુલે તેવો દાવો
-
“૨૦૨૧નો ‘આપ’નો દેખાવ માત્ર એક સંજોગ હતો”; પાટીલે ગત ચૂંટણીની ૨૭ બેઠકો કબજે કરવા કાર્યકરોને લલકાર્યા
-
આપના કોર્પોરેટરો પર નિશાન- “માત્ર વિરોધની રાજનીતિ કરી, ૫ વર્ષના કામનો હિસાબ જનતા માંગશે”
સુરત મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરતનું રાજકારણ ગરમાયું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે સુરતના પાંડેસરા વિસ્તારમાં આયોજિત ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં વિપક્ષોને આડેહાથ લીધા હતા. તેમણે આમ આદમી પાર્ટીને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું હતું કે જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી ૨૭ બેઠકો આ વખતે બચાવીને બતાવો.
‘આપ’ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર સી.આર. પાટીલે કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે ૨૦૨૧ માં ‘આપ’ એ જે બેઠકો મેળવી હતી તે માત્ર એક સંજોગ હતો અને હવે જનતા તેમને મત આપીને પસ્તાઈ રહી છે. તેમણે ઉમેર્યું કે ‘આપ’ ના કોર્પોરેટરોએ ૫ વર્ષ માત્ર વિરોધની રાજનીતિ કરી છે અને જનતા હવે તેનો હિસાબ માંગશે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે સુરત અગાઉ જ કોંગ્રેસમુક્ત બની ગયું છે અને આ વખતે પણ તેમનું ખાતું ખુલવાની કોઈ શક્યતા નથી.
કાર્યકરોને જીતનો મંત્ર પાટીલે વોર્ડ નંબર ૨૩, ૨૪, ૨૮ અને ૨૯ ના કાર્યકર્તાઓને પેજ સમિતિના માધ્યમથી ઘરે-ઘરે પહોંચી સરકારની વિકાસલક્ષી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે સુરતની જનતા વિકાસની રાજનીતિમાં માને છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. પાટીલે અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુરત મનપાની ચૂંટણી ભાજપ માટે માત્ર ઔપચારિકતા છે કારણ કે જનતાએ ફરી એકવાર ભાજપને જ જીતાડવાનું મન બનાવી લીધું છે.