વોર્ડ-6 માં જનતાનો મિજાજ ગરમ: "મકાનો તોડી પાડવા એ વિકાસ છે?", ડિમોલિશન મુદ્દે વાલ્મિકી સમાજમાં ભારે રોષ
-
નળ છે પણ પાણી નથી! ગંદકી અને પ્રાથમિક સુવિધાઓના અભાવે ભાવનગરના મતદારોએ નેતાઓને લીધા આડેહાથ
-
વેરો ભરીએ છીએ છતાં સફાઈ કેમ નહીં? ડિમોલિશનના ડંખ અને પાણીની સમસ્યા વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ
-
ગંગાજળિયા તળાવના મોડેલ સામે નવાપરા ગ્રીનની ગંદકીનો મુદ્દો; પરિવર્તનની લહેર કે ભાજપનો ગઢ અકબંધ?
મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે ભાવનગરના વોર્ડ નંબર ૬ માં રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે. 'સિટી ન્યૂઝ રાજકોટ' ની ટીમ દ્વારા કરાયેલા ગ્રાઉન્ડ સર્વેમાં સત્તાધારી પક્ષના વિકાસના દાવા અને જનતાની વાસ્તવિક હાડમારીઓ વચ્ચે મોટું અંતર જોવા મળ્યું છે. ખાસ કરીને નવાપરા અને વાલ્મિકી સમાજના વિસ્તારોમાં ડિમોલિશન અને પાણીની સમસ્યા ચૂંટણીના મુખ્ય મુદ્દા બન્યા છે.
સ્થાનિકોનો આક્રોશ: "હવે પરિવર્તન જોઈએ" વોર્ડ-૬ ના રહીશોમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા મકાનોના ડિમોલિશન સામે ભારે રોષ છે. સ્થાનિક મહિલા સંધ્યાબેને રોષે ભરાતા જણાવ્યું કે, "મજૂરી કરીને લાખોના ખર્ચે બનાવેલા મકાનો તમે જેસીબીથી પાડી દો છો, શું આને વિકાસ કહેવાય? નળની લાઈનો નાખી છે પણ પાણી આવતું નથી." અન્ય એક સ્થાનિક ઇકબાલભાઈએ ફરિયાદ કરી કે તમામ વેરા ભરવા છતાં સફાઈની સમસ્યા ઠેરની ઠેર છે.
રાજકીય પક્ષોના દાવા-પ્રતિદાવા શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે બચાવ કરતા જણાવ્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં રોડ-રસ્તા અને પાણીની સમસ્યા દૂર કરવા પૂરતા પ્રયત્નો થયા છે. તેમણે મહિલા કોલેજ બગીચાના વિકાસ અને સીએચસી સેન્ટરના નિર્માણને મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવારો સલીમ રાધનપુરી અને કલ્પેશ મણિયારે આક્ષેપ કર્યો કે ભાજપ શાસકો ૨૦૦ ફૂટ દૂર આવેલી ટાંકી હોવા છતાં લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે.
ચૂંટણીનો મિજાજ એક તરફ ભાજપ ગંગાજળિયા તળાવના આધુનિકીકરણ અને સ્ટ્રીટ લાઈટના કામો ગણાવી રહ્યું છે, તો બીજી તરફ જનતા ગંદકી અને ઘરવિહોણા થવાના ડરથી પરેશાન છે. આ શુષ્ક વાતાવરણમાં હવે 'કમળ' ખીલશે કે 'પંજો' પરિવર્તન લાવશે, તેનો ફેંસલો જનતાના હાથમાં છે.