ભાવનગરમાં આંકડાકીય અજાયબી: 10 વર્ષમાં સવા લાખ વસ્તી વધી છતાં મતદારો 423 ઘટ્યા! ‘સર’ અભિયાનથી ડુપ્લીકેટ નામો પર ફરી વળી કાતર
-
2021ની તુલનામાં અધધ 66 હજાર મતદારો રદ- રવિવારે 13 વોર્ડની 52 બેઠકો માટે થશે જંગ; પ્રચારના પડઘમ શાંત
-
અવસાન, સ્થળાંતર અને બેવડા નામો કમી કરાતા આંકડો બદલાયો- ઘોઘા સર્કલ વોર્ડમાં નોટાનો સૌથી વધુ ક્રેઝ
-
શુક્રવારે બપોર બાદ જાહેર પ્રચાર પર બ્રેક- ગ્રુપ મીટિંગો અને સમાજના આગેવાનોના સહારે મતદારોને આકર્ષવા મથામણ
ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ શાંત થઈ ચૂક્યા છે, પરંતુ આ વખતે મતદાન પૂર્વે જે આંકડાકીય વિગતો સામે આવી છે તેણે સૌને ચોંકાવી દીધા છે. શહેરમાં છેલ્લા એક દાયકામાં સવા લાખ જેટલી વસ્તી વધી હોવા છતાં મતદારો વધવાને બદલે 423 ઘટી ગયા છે. આ પાછળનું મુખ્ય કારણ ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવેલું ‘સર અભિયાન’ છે, જે અંતર્ગત ડુપ્લીકેટ અને શંકાસ્પદ મતદારોને દૂર કરવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વર્ષ 2015 ના આંકડા જોઈએ તો ભાવનગરની વસ્તી સવા પાંચ લાખ હતી અને મતદારો 4,58,799 નોંધાયા હતા. આજે 2026 માં વસ્તી વધીને સાડા છ લાખ થઈ ગઈ છે, પરંતુ મતદારોની સંખ્યા 4,58,376 પર આવી ગઈ છે. ખાસ કરીને 2021 ની ચૂંટણીમાં મતદારોનો આંકડો 5.25 લાખ પર પહોંચ્યો હતો, જેની સરખામણીએ આ વખતે 66,631 મતદારોનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો દર્શાવે છે કે અગાઉની યાદીમાં અનેક એવા નામો હતા જે કાં તો અવસાન પામ્યા હતા અથવા સ્થળાંતર કરી ચૂક્યા હતા.
મતદાર યાદીમાંથી નામ કમી થવાના કારણો પર નજર કરીએ તો, અનેક મતદારો તે મતવિસ્તાર છોડીને કાયમી ધોરણે અન્ય સ્થળે સ્થાયી થયા છે. આ ઉપરાંત, એક જ વ્યક્તિના બે અલગ-અલગ જગ્યાએ નામ હોય અથવા એક જ યાદીમાં બે વાર નામ નોંધાયેલું હોય તેવા કિસ્સાઓમાં પણ નામો રદ કરવામાં આવ્યા છે. ભારતની નાગરિકતા ન હોય અથવા સરનામા પર કોઈ વ્યક્તિ લાંબા સમયથી રહેતી ન હોય તેવા કિસ્સામાં પણ ચૂંટણી પંચે લાલ આંખ કરી છે.
મતદાનમાં ‘નોટા’ (None of the Above) ની ભૂમિકા પણ મહત્વની બની રહી છે. 2021 ની ચૂંટણીમાં 13 વોર્ડમાં 4422 મતદારોએ એકપણ ઉમેદવારને પસંદ કર્યા નહોતા. જેમાં ઘોઘા સર્કલ વોર્ડમાં સૌથી વધુ 489 નોટા મત પડ્યા હતા. 2015 ની તુલનામાં 2021 માં નોટાના ઉપયોગમાં 9.32 ટકાનો વધારો થયો હતો, જે દર્શાવે છે કે જનતા હવે જાગૃત છે અને જો ઉમેદવારો પસંદ ન હોય તો પોતાનો વિરોધ નોંધાવતા અચકાતી નથી.
ચૂંટણીના જંગ માટે આજે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. બપોર બાદ જાહેર સભાઓ, રેલીઓ અને સરઘસો પર પ્રતિબંધ લાગી ગયો છે, જેના કારણે રાજકીય પક્ષોએ હવે અંદરખાને ગ્રુપ મીટિંગો અને ડોર-ટુ-ડોર સંપર્ક તેજ કર્યો છે. ખાસ કરીને જ્ઞાતિ-સમાજ લેવલની મીટિંગો યોજીને મતદારોને આકર્ષવાના આખરી પ્રયાસો થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે 26 એપ્રિલના રોજ રવિવારે આ ઘટતી મતદાર સંખ્યા વચ્ચે કેટલા ટકા મતદાન થાય છે અને જનતા કોના પર કળશ ઢોળે છે.