Loading Please Wait !!!
ગોહિલવાડનું ગૌરવ: ભાવનગરના ૩૦૪મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી, પ્રજાવત્સલ રાજવીઓને અપાઈ પુષ્પાંજલિ

 

  • અખાત્રીજે બંધાયું હતું ભાવેણુંનું તોરણ; જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને કર્યા વંદન

  •  મોતીબાગથી નીલમબાગ સુધી શ્રદ્ધાંજલિનો દોર; આચારસંહિતા નડી પણ ભાવેણાવાસીઓનો ઉત્સાહ અકબંધ

  • ચૂંટણીને કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો મુલતવી; મહારાજા ભાવસિંહજી અને રાજવંશજોના સમાધિ સ્થળે મહાનુભાવોની હાજરી

    ભાવનગર શહેરના ૩૦૪મા સ્થાપના દિવસ નિમિત્તે રવિવારે (૧૯ એપ્રિલ) શહેરભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અખાત્રીજના પવિત્ર દિવસે જ્યારે ભાવનગરનું તોરણ બંધાયું હતું, તે ઐતિહાસિક ક્ષણને યાદ કરી રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના મહાનુભાવોએ દિવંગત રાજવીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

    રાજવી પ્રતિમાઓને પુષ્પાંજલિ સ્થાપના દિન નિમિત્તે મોતીબાગ સ્થિત મહારાજા ભાવસિંહજીની પ્રતિમા તેમજ દરબારી કોઠાર ખાતે આવેલા રાજવંશજોના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નીલમબાગ સ્થિત પ્રતિમાના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના પ્રજાવત્સલ શાસનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના અગ્રણીઓ એકસાથે જોવા મળ્યા હતા.

    ચૂંટણીને કારણે કાર્નિવલ મોકૂફ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, છેલ્લા આઠ-નવ વર્ષથી ભાવનગરના જન્મદિવસની ઉજવણી અખાત્રીજના દિવસે વિશેષ રીતે કરવામાં આવે છે. જોકે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા અમલી હોવાથી બોરતળાવ ખાતે યોજાતો 'ભાવનગર કાર્નિવલ' મુલતવી રાખવામાં આવ્યો છે. આ કાર્નિવલમાં કીર્તિદાન ગઢવી, સાઈરામ દવે અને કિંજલ દવે જેવા નામાંકિત કલાકારોના કાર્યક્રમો સુનિશ્ચિત હતા, જે હવે આગામી સમયમાં યોજાશે.

    સેવાકીય પ્રવૃત્તિઓ કાર્નિવલ ભલે મોકૂફ રહ્યો હોય, પરંતુ ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ૩૦૪ રક્તદાન બોટલ એકત્ર કરવાનો સેવાકીય સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ભાવનગર એ પ્રજાવત્સલ રાજવીઓનું ભાવસભર શહેર છે અને તેની ધરોહરની જાળવણી કરવી એ સૌની જવાબદારી છે.