Loading Please Wait !!!
ભાવનગરમાં અષાઢી બીજની રથયાત્રાના શ્રીગણેશ: અખાત્રીજે જગન્નાથજીના રથનું પૂજન અને ધ્વજારોહણ સંપન્ન

 

  • સુભાષનગર મંદિર ખાતે મહંતોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ; ભક્તોના જય ઘોષ સાથે તૈયારીઓનો પ્રારંભ

  •  રથયાત્રા 2026ની તૈયારીઓ તેજ; સુભાષનગર જગન્નાથજી મંદિરે શ્રદ્ધાળુઓ અને કાર્યકર્તાઓનું ઘોડાપૂર

  •  મહંત રામચંદ્રદાસજી મહારાજની નિશ્રામાં ધાર્મિક મહોત્સવ; હવે રથના મેન્ટેનન્સ અને શણગારની કામગીરી શરૂ

    ભાવનગર શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે યોજાતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે તૈયારીઓનો શુભારંભ થઈ ચૂક્યો છે. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે રથનું વિધિવત પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

    સંતોના હસ્તે પૂજન વિધિ આ ધાર્મિક વિધિ નાની ખોડિયાર મંદિરના પૂજ્ય ગરીબરામબાપુ અને તપસ્વી બાપુની જગ્યાના મહંત પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજના વરદ હસ્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ હતી. પરંપરા મુજબ, ઓડિશાના પૂરીમાં દર વર્ષે નવા રથનું નિર્માણ થાય છે, જ્યારે અન્ય સ્થળોએ અક્ષય તૃતીયાના દિવસે અગાઉના રથનું પૂજન કરી તેના સમારકામ અને શણગારની વિધિ શરૂ કરવામાં આવે છે.

    ભક્તોમાં ભારે ઉત્સાહ આ પ્રસંગે રથયાત્રા સમિતિના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. મૂર્તિ પૂજન અને રથના ધ્વજારોહણ બાદ હવે રથના રંગરોગાન અને સુશોભનની કામગીરી હાથ ધરવામાં આવશે. અષાઢી બીજે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળશે, ત્યારે ભાવનગરના રાજમાર્ગો ભક્તિમય બની જશે. પૂજન વિધિના અંતે શ્રદ્ધાળુઓએ દર્શન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.