બરોડા મેડિકલ કોલેજનો હોશિયાર વિદ્યાર્થી લાપતા: એટીકેટીના ડરે છોડી હોસ્ટેલ
-
નીટ પ્રથમ પ્રયાસે પાસ કરનાર એમબીબીએસનો છાત્ર ગુમ થતા પરિવાર વડોદરા દોડી આવ્યો.
-
ધાનેરાના પરિવારનો વડોદરામાં રઝળપાટ; એટીકેટી આવતા પુત્રએ ઘર છોડ્યાની આશંકા.
- 26 એપ્રિલે ઘરેથી વડોદરા આવ્યા બાદ સંપર્ક વિહોણો થયો; પિતાની આંખમાં આંસુ.
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરાની બરોડા મેડિકલ કોલેજમાં એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો 21 વર્ષનો વિદ્યાર્થી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાનો વતની આ વિદ્યાર્થી 26 એપ્રિલે ઘરેથી વડોદરા હોસ્ટેલ પર આવ્યો હતો, પરંતુ 27 એપ્રિલ બાદ તેનો ફોન સતત સ્વીચ ઓફ આવતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. વડોદરા પહોંચેલા પિતાને પુત્રના રૂમ પર લોક જોવા મળ્યું હતું અને તેના મિત્રો પાસે પણ કોઈ જાણકારી નહોતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ વિદ્યાર્થી ભણવામાં અત્યંત હોશિયાર હતો અને તેણે નીટની પરીક્ષા પણ ટ્યુશન વગર પ્રથમ પ્રયાસે પાસ કરી હતી. જોકે, આઠમા સેમેસ્ટરમાં તેને એટીકેટી (ATKT) આવતા તે ભારે નિરાશ હતો. પિતાએ રડતા રડતા મીડિયા સમક્ષ અપીલ કરી હતી કે, "બેટા, એકાદ વિષયમાં એટીકેટી આવે તો કંઈ વાંધો નથી, તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા, તારી મમ્મી અને બહેન તારી ખૂબ ચિંતા કરે છે".
પોલીસ અને પરિવારની તપાસમાં સીસીટીવી ફૂટેજ દ્વારા એક મહત્વની કડી મળી છે. વિદ્યાર્થી છેલ્લે એસએસજી હોસ્પિટલની સામે આવેલા એસબીઆઈ (SBI) ના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો હોવાનું દેખાયું છે. 27 એપ્રિલના રોજ રાત્રે નવ વાગ્યાની આસપાસ તેણે એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હતા, જે બાદ તેની કોઈ ભાળ મળી નથી. પિતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી આપી છે અને ઓનલાઈન કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
મેડિકલ કોલેજના ડીન દ્વારા પણ પરિવારને પૂરો સાથ-સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે. પિતાએ રડતા રડતા પુત્રને સંદેશો પાઠવ્યો હતો કે તારી તબિયત સારી હોય અને તું સુરક્ષિત હોય એટલું જ અમારા માટે મહત્વનું છે. ભણવાનું તો આજે છે ને કાલે ફરીથી થઈ જશે, પણ તું ઘરે પાછો આવી જા. હાલમાં પોલીસ અને સંબંધીઓ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ સીસીટીવી ચેક કરી શોધખોળ ચલાવી રહ્યા છે.
આ ઘટનાએ મેડિકલ સ્ટુડન્ટ્સ પર રહેલા ભણતરના માનસિક ભાર અને એટીકેટીના ડરને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે. પરિવારજનો આશા રાખી રહ્યા છે કે તેમનો લાડકો પુત્ર જલ્દી હેમખેમ મળી આવશે. જે કોઈને આ વિદ્યાર્થી વિશે જાણકારી મળે તેમણે તાત્કાલિક પોલીસ અથવા કોલેજ તંત્રનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.