Loading Please Wait !!!
‘તમે અમને અમારી ઓકાત બતાવી દીધી’: હાર બાદ પૂર્વ ચેરમેન દિનેશ મૈતરેની રાજકીય સંન્યાસની જાહેરાત

  • ડુંગરપુર બેઠક પર ભાજપના ગઢમાં ગાબડું પડતા વિસ્ફોટ; જનસંપર્ક કાર્યાલય કાયમ માટે બંધ.
  • કામ કરવા છતાં હાર મળતા આકરો નિર્ણય; આણંદપુરના સરપંચ પણ પદત્યાગ કરશે.
  •  “અમારી હેસિયત બતાવવા બદલ આભાર”, કહી ભાજપના પૂર્વ ચેરમેને સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો રોષ

જૂનાગઢ જિલ્લા પંચાયતની વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. ડુંગરપુર સીટ પર ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડતા પક્ષના આંતરિક માળખામાં ભારે નારાજગી વ્યાપી છે. આ બેઠક પર થયેલી કારમી હારને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ મૈતરેએ વ્યક્તિગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો છે અને અત્યંત ભાવુક તેમજ આકરા મિજાજમાં રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોમાં દિનેશ મૈતરે પોતાનું દર્દ ઠાલવતા જણાવ્યું હતું કે, “અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ આભાર, તમે અમને અમારી ઓકાત બતાવી દીધી છે.” તેમણે કટાક્ષ કરતા આણંદપુર ગામના મતદારોનો ઋણ સ્વીકાર કર્યો હતો. મૈતરે વધુમાં જાહેરાત કરી હતી કે આવતીકાલથી તેમનું જનસંપર્ક કાર્યાલય કાયમ માટે બંધ કરી દેવામાં આવશે અને તેઓ હવે પછી જાહેર જીવન કે રાજનીતિમાં કોઈ પણ પ્રકારની દખલગીરી નહીં કરે. તેમની સાથે કેવલભાઈ ચોવટિયા પણ ભવિષ્યમાં કોઈ ચૂંટણી નહીં લડે તેવી સ્પષ્ટતા કરી છે.

હારના આઘાતની અસર માત્ર દિનેશ મૈતરે પૂરતી સીમિત નથી રહી, પરંતુ આણંદપુર ગામના સરપંચ મેરામણભાઈ બંધીયા પણ પોતાના પદ પરથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મૈતરે ઉમેર્યું હતું કે, ગામ માટે આટલા વિકાસના કામો કરવા છતાં જો લોકોને અમારી વિચારધારા પસંદ ન આવતી હોય, તો અમે જાહેર જીવન માટે નકામા છીએ. આ હાર બાદ પક્ષના પાયાના કાર્યકરોમાં પણ ભારે નિરાશા જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લાની બીલખા જેવી હાઈપ્રોફાઈલ અને ડુંગરપુર જેવી ભાજપના મજબૂત ગઢ ગણાતી બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થતા ભાજપના રણનીતિકારો માટે આ ચિંતાનો વિષય બન્યો છે. ડુંગરપુર બેઠક પર ભાજપના ઉમેદવારની ‘આપ’ સામે થયેલી હાર પક્ષમાં મોટા આંતરિક ફેરફારોના સંકેત આપી રહી છે. દિનેશ મૈતરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ હોદ્દા વગર માત્ર એક સામાન્ય કાર્યકર તરીકે જ પક્ષની સેવા કરતા રહેશે.

ચૂંટણી પરિણામો બાદ જે રીતે પૂર્વ ચેરમેને આક્રમક રીતે નિવૃત્તિ જાહેર કરી છે, તેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ ભાજપ જિલ્લાની અન્ય બેઠકો પર મિશ્ર પ્રતિસાદથી સંતોષ માની રહ્યો છે, તો બીજી તરફ ડુંગરપુર અને બીલખા જેવી બેઠકો ગુમાવવી તે પક્ષ માટે મોટો ફટકો સાબિત થયો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપનું હાઈકમાન્ડ નારાજ નેતાઓને મનાવવામાં સફળ રહે છે કે પછી આ વિસ્ફોટ આગામી સમયમાં વધુ ઉગ્ર બનશે.