Loading Please Wait !!!
વરાછામાં અલ્પેશ કથીરિયા સામે પાટીદારોનો આક્રોશ: ‘અમે દંડા ખાધા, હવે સવાલ પૂછીએ તો ભાગો છો કેમ?’

 

  • ચૂંટણી પ્રચારમાં મહિલાઓએ ડીજે બંધ કરાવી નેતાઓનો ઉધડો લીધો; રસ્તા અને શિક્ષણ મુદ્દે ભાજપ ભીંસમાં

  •  વિકાસની વાતો કરતા જ મહિલાઓએ ખાડા બતાવ્યા; ‘સત્તા તમારી છે તો કામ કેમ નથી થતું?’ ના સવાલોથી ગરમાવો

  •  શિક્ષણના નામે વ્યાપારીકરણ અને ખાનગી શાળાઓની ફી મુદ્દે યુવાનોએ નેતાઓને પરખાવ્યું; વીડિયો ઉતારવાની મનાઈ કરી

    સુરત: સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ ભાજપના નેતાઓ માટે જનતા વચ્ચે જવું મુશ્કેલ બની રહ્યું હોય તેમ જણાય છે. શહેરના વોર્ડ-3 (વરાછા) માં ભાજપના ઉમેદવાર અને અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલના પ્રચાર માટે નિકળેલા અલ્પેશ કથીરિયા અને તેમની ટીમને આજે ગ્રીન ઝોન સોસાયટીમાં પાટીદાર મતદારોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. સોસાયટીમાં પ્રવેશેલા નેતાઓને જનતાએ પાયાની સુવિધાઓ અને શિક્ષણના મુદ્દે આડે હાથ લીધા હતા.

    મહિલાઓએ ડીજે બંધ કરાવી ઉધડો લીધો ઉમેદવારના સ્વાગત માટે સોસાયટીમાં ડીજે વગાડીને ભપકો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ સોસાયટીની ગૃહિણીઓએ આગળ આવીને તાત્કાલિક ડીજે બંધ કરાવી દીધું હતું. મહિલાઓએ સવાલ કર્યો હતો કે, "જ્યારે રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છે અને પ્રાથમિક સુવિધાઓના ઠેકાણા નથી, ત્યારે આટલો મોટો દેખાડો શા માટે?" નેતાઓએ જ્યારે બચાવમાં એમ કહ્યું કે અહીં વિપક્ષના કોર્પોરેટર છે, ત્યારે લોકોએ વળતો પ્રહાર કર્યો હતો કે સત્તામાં તો ભાજપ છે, તો કામ કેમ અટકેલા છે?

    શિક્ષણ અને ભ્રષ્ટાચારના મુદ્દે ભીંસમાં પ્રચાર દરમિયાન યુવાનોએ સરકારી શાળાઓની દયનીય સ્થિતિ અને ખાનગી શાળાઓની બેફામ ફી મુદ્દે પણ નેતાઓને ઘેર્યા હતા. નેતાઓએ જ્યારે સુરતમાં નવી શાળાઓ બની હોવાનો દાવો કર્યો, ત્યારે યુવાનોએ તેને માત્ર કાગળ પરની વાતો ગણાવી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. જ્યારે ચર્ચામાં મામલો ગરમાયો અને લોકોએ મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે નેતાઓએ વીડિયો બંધ કરાવવા વિનંતી કરવી પડી હતી.

    આંદોલનની યાદો સાથે આક્રોશ પાટીદાર યુવાનોએ અલ્પેશ કથીરિયાને જૂની યાદો તાજી કરાવતા કહ્યું કે, જે આંદોલન માટે સમાજે લાઠીઓ ખાધી અને કેસો વેઠ્યા, તે શક્તિનો ઉપયોગ હવે સત્તામાં ગયા પછી સમાજની સુવિધા માટે કેમ નથી થતો? ભાજપ જ્યારે તમામ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખી રહી છે, ત્યારે જનતાના આ પ્રકારના સવાલો અને આક્રોશ ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. સોસાયટીમાં વિરોધ વધતા કેટલાક નેતાઓએ વિવાદમાં પડવાને બદલે ત્યાંથી ચૂપચાપ નીકળી જવામાં જ ભલાઈ માની હતી.