Loading Please Wait !!!
શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે ગ્રાન્ટેડ શાળાઓમાં પાઠ્યપુસ્તકોનો અભાવ

  • ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ પુસ્તકો વિના ભણવા મજબૂર, તંત્રની ઘોર બેદરકારી
  • વિદ્યાર્થીઓ ખાલી હાથે શાળાએ આવવા મજબૂર, પુસ્તકોના અભાવે શિક્ષણ કાર્ય પ્રભાવિત
  • વેકેશન પૂરું થવા છતાં પુસ્તકો ન પહોંચતા વાલીઓમાં ભારે રોષ

સિટી ન્યુઝ @ સુરત

રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭નો ધમધમાટ શરૂ થયો છે, પરંતુ સુરતની ગ્રાન્ટેડ શાળાઓમાં પહેલા જ દિવસે તંત્રની પોલ ખુલી ગઈ છે. શાળાઓમાં ઘંટ વાગી ગયા હોવા છતાં, ધોરણ ૯ થી ૧૨ના હજારો વિદ્યાર્થીઓના હાથમાં હજી સુધી સરકારી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી. પરિણામે, નવા ગણવેશમાં ઉત્સાહભેર શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓએ પુસ્તકો વિના જ વર્ગખંડમાં બેસવાની ફરજ પડી હતી, જેને કારણે શિક્ષકો માટે પણ શૈક્ષણિક કાર્ય શરૂ કરવું મુશ્કેલ બન્યું હતું.

સામાન્ય રીતે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ફેબ્રુઆરી મહિના સુધીમાં જ આગામી વર્ષના પુસ્તકો શાળાઓમાં મોકલી આપવામાં આવતા હોય છે, જેથી વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન જ તૈયારી કરી શકે. પરંતુ આ વર્ષે સત્ર શરૂ થવા છતાં પુસ્તકોના ઠેકાણા નથી. અડાજણ વિસ્તારની જાણીતી એલ. એન. ડાળિયા હાઈસ્કૂલના આચાર્ય હિતેશ ભટ્ટના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઘણા પાઠ્યપુસ્તકો બદલાયા હોવાથી છપામણીમાં વિલંબ થયો હોઈ શકે છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી છે કે આગામી એક સપ્તાહમાં બાળકોને પુસ્તકો મળી જશે.

શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળા પાસેથી અગાઉથી ઇન્ડેન્ટ લેવામાં આવતો હોવા છતાં, આટલા વિલંબ પાછળ કોની જવાબદારી છે તે પ્રશ્ન વાલીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. પુસ્તકો સમયસર ન મળવાથી જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ જે વેકેશન દરમિયાન આગામી વર્ષનો પાયો મજબૂત કરતા હતા, તેમની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે. વહીવટી તંત્રની આ ઢીલી નીતિને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યની શરૂઆત જ અવરોધાઈ છે.

 પાઠ્યપુસ્તકોના વિલંબની અસર

દર વર્ષે વાર્ષિક પરિણામોની સાથે જ પાઠ્યપુસ્તકો મળી જતા વિદ્યાર્થીઓને વેકેશનના ૪૦ દિવસનો ભરપૂર લાભ મળતો હતો. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં પાયો મજબૂત કરનારા વિદ્યાર્થીઓ માટે આ વર્ષે પાઠ્યપુસ્તકોની અછત મોટી મુસીબત બની છે. શાળાઓના કપાટ ખૂલી ગયા છે, શિક્ષકો તૈયાર છે, પરંતુ અભ્યાસક્રમની મુખ્ય કડી સમાન પુસ્તકો જ ગાયબ હોવાથી સમગ્ર શૈક્ષણિક વાતાવરણ ફિક્કું પડ્યું છે. હવે આશા માત્ર એટલી છે કે તંત્ર વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ વધુ બગડે નહીં.