Loading Please Wait !!!
જામજોધપુર પોલીસનો સપાટો: 9 મહિનાથી ફરાર પ્રોહિબિશનનો આરોપી પકડાયો

  • તરસાઈ ગામ પાસે બાતમીના આધારે પોલીસે ગોઠવી ટ્રેપ, સંજય કોડીયાતર જેલભેગો
  • રાજ્યવ્યાપી નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ હેઠળ સંજયનગરનો યુવક ઝડપાયો
  • બાપા સીતારામની મઢુલી પાસે ઉભેલા આરોપીને પોલીસે કોર્ડન કરી ઝડપી પાડ્યો

જામજોધપુર પોલીસે પ્રોહિબિશનના ગંભીર ગુનામાં છેલ્લા નવ મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. જામજોધપુર પોલીસની ટીમે બાતમીના આધારે આરોપીને તરસાઈ ગામ પાસેથી દબોચી લીધો હતો.

આ સફળ કામગીરી જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની અને આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચનાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જામજોધપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.બી. ચૌહાણે સ્ટાફને વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે સઘન પેટ્રોલિંગ કરવાના આદેશ આપ્યા હતા, જે દરમિયાન પોલીસને ચોક્કસ કડી મળી હતી.

પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. લખમણભાઈ ચાવડા અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, જામજોધપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં લાલ શાહીથી નાસતો-ફરતો આરોપી સંજયભાઈ આલાભાઈ કોડીયાતર હાલ તરસાઈ ગામમાં બાપા સીતારામની મઢુલી પાસે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સ્થળ પર પહોંચી ઘેરો ઘાલ્યો હતો.

પોલીસે સ્થળ પરથી 22 વર્ષીય સંજયભાઈ આલાભાઈ કોડીયાતરને ઝડપી લીધો હતો. આરોપી મૂળ તરસાઈનો વતની છે પરંતુ હાલ જૂનાગઢના ડેરીવાળા રોડ પર સંજયનગરમાં રહી મજૂરી કામ કરે છે. છેલ્લા 9 માસથી પોલીસ તેને શોધી રહી હતી, પરંતુ તે સતત લોકેશન બદલીને પોલીસને હાથતાળી આપતો હતો. આખરે બાતમીદારોની મદદથી તે ઝડપાઈ ગયો છે.

આ કામગીરીમાં પી.આઈ. એન.બી. ચૌહાણ સાથે એ.એસ.આઈ. લખમણભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ ગાગીયા અને કૌશિકભાઈ કાંબરીયા જોડાયા હતા. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે અને પ્રોહિબિશનના ગુનામાં તેની સંડોવણી અંગે કાયદેસરની તપાસ તેજ કરી છે.