Loading Please Wait !!!
5 જૂને PM મોદી સુરતમાં

સિટી ન્યૂઝ@સુરત
આગામી ૫મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસીય સુરત મુલાકાતને લઈને ડાયમંડ સિટીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.પીએમના સ્વાગત માટે સુરત મહાનગર પાલિકા અને જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જો કે,આ મુલાકાતની સીધી અસર સુરત મહાનગરપાલિકાના સ્થાનિક વહીવટ પર પડી છે.વડાપ્રધાનના કાર્યક્રમની વ્યસ્તતાને પગલે મનપાની આગામી સામાન્ય સભા નિર્ધારિત સમય કરતાં પાછી ઠેલાઈ ગઈ છે,જેના કારણે મનપાની વિવિધ ૧૨ મહત્વની સમિતિઓની રચના અને તેના પદાધિકારીઓની નિમણૂંકનું કોકડું હાલના તબક્કે ગૂંચવાયું છે. વડાપ્રધાનના કાર્યક્રમને આખરી ઓપ આપવા અને તેને અભૂતપૂર્વ રીતે સફળ બનાવવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.તેમની સાથે જિલ્લા કલેક્ટર,મ્યુનિસિપલ કમિશનર,શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ સ્થાનિક ધારાસભ્યો અને મનપાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.બેઠકમાં વડાપ્રધાનના રૂટ,સુરક્ષા વ્યવસ્થા,સ્ટેજ મેનેજમેન્ટ અને સભામાં ઉમટનારી જનમેદનીને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે અધિકારીઓને પ્રોટોકોલ જાળવવા અને કાર્યક્રમમાં કોઈ ખામી ન રહી જાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ જૂનના રોજ બપોરે ૨:૦૦ કલાકે વિશેષ વિમાન મારફતે સુરત એરપોર્ટ પર આવી પહોંચશે.એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.એરપોર્ટથી તેઓ સીધા હજુરામાં ઓદ્યોગિક પ્લાન્ટની મુલાકાત લેવા માટે રવાના થશે.હજીરામાં પ્રોજેક્ટની સમીક્ષા કર્યા બાદ તેઓ શહેર તરફ પરત ફરશે.સાંજે ૪:૦૦ કલાકે વડાપ્રધાન સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આઇકોનિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે.અહીં તેઓ એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે, જેમાં હજારોની સંખ્યામાં લોકો અને પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહેશે.