Loading Please Wait !!!
પરસોત્તમ સોલંકીનો હુંકાર: "અડધી રાત્રે તકલીફ હોય તો બંગલે આવજો, તમારો વીરો બેઠો છે", ભાવનગરમાં વિજય વિશ્વાસ બેઠકમાં હાવજની ગર્જના

 

  • કાર્યકરોને આપ્યો અતૂટ ભરોસો- "ભાજપ સામે કોઈ નહીં આવે, મજબૂત રહેજો"; બહેન-દીકરીઓની સુરક્ષા માટે આપી ખાતરી

  •  52 બેઠકો પર ક્લીન સ્વીપની રણનીતિ- અઢારે વરણના લોકોના સાથથી ભાજપ ફરી સત્તા હાંસલ કરશે તેવો વિશ્વાસ

  • કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના દિગ્ગજોની હાજરી- ભાવનગર મહાપાલિકા અને પંચાયતોમાં ભગવો લહેરાવવા આહ્વાન

    ભાવનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના આખરી પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાવનગરના રાજકારણમાં દિગ્ગજ નેતા અને મંત્રી પરસોત્તમ સોલંકીની એન્ટ્રીએ માહોલ ગરમાવી દીધો છે. ભાવનગરમાં યોજાયેલી ભાજપની ‘વિજય વિશ્વાસ બેઠક’માં સોલંકીએ પોતાના લાક્ષણિક અંદાજમાં કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે, "તમારો વીરો, તમારો ભાઈ અહીં બેઠો છે, એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. જો કોઈ તકલીફ આવે તો અડધી રાત્રે પણ મારા બંગલે વયા આવજો."

    પરસોત્તમ સોલંકીએ કાર્યકરોમાં જોશ પૂરતા જણાવ્યું હતું કે તેઓ ૨૮ તારીખ સુધી ભાવનગરમાં જ રોકાવાના છે અને પક્ષના વિજય માટે મક્કમ છે. તેમણે બહેન-દીકરીઓને સંબોધતા ભાવનાત્મક કાર્ડ રમ્યું હતું અને ખાતરી આપી હતી કે ભાજપના શાસનમાં તેઓ સુરક્ષિત છે. આ બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડની ૫૨ બેઠકો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભવ્ય વિજય મેળવવા માટે વિસ્તૃત રણનીતિ ઘડવામાં આવી હતી.

    અગ્રણી દિવ્યેશ સોલંકીએ સભામાં વર્ષોથી સોલંકી પરિવાર સાથે જોડાયેલા અઢારે વરણના લોકોનો આભાર માન્યો હતો અને પૂર્વની જેમ જ તમામ પાલિકાઓમાં ભાજપનું શાસન જાળવી રાખવા જંગી મતદાન કરાવવા આહ્વાન કર્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા અને ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના અગ્રણીઓએ પણ હાજર રહીને કાર્યકરોને સંબોધ્યા હતા. પરસોત્તમ સોલંકીના આ નિવેદન બાદ ભાવનગર ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.