વાંકાનેર : વાયરલ ઓડિયોથી મેન્ડેટના ગંદા ખેલનો પર્દાફાશ
- BSP નેતા અને ભાજપ કાર્યકરની કથિત ઓડિયો ક્લિપથી ખળભળાટ
સિટી ન્યૂઝ@વાંકાનેર : વાંકાનેરના રાજકીય ફલક પર આદર્શો અને સિદ્ધાંતોના લીરેલીરા ઉડાવતો એક કથિત ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં બહુજન સમાજ પાર્ટી (BSP) ના એક નેતા અને ભાજપના હોદ્દેદાર હોવાનો દાવો કરતા શખ્સ વચ્ચેની વાતચીતે પક્ષોની આંતરિક મિલીભગત અને ગંદા રાજકારણને ખુલ્લું પાડ્યું છે. લોકશાહીના પર્વમાં મતદારોને રીઝવવાને બદલે 'મેન્ડેટ' અને 'વોટ તોડવા' ના જે કાવાદાવા થઈ રહ્યા છે, તેનાથી જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વાયરલ થયેલી આ કથિત ક્લિપમાં BSP નેતા સ્વીકારી રહ્યા છે કે ભાજપના નેતા જીતુ અને રમેશ વોરાના ઈશારે મેન્ડેટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે રમેશ વોરા પોતાના અંગત સ્વાર્થ માટે આખા સમાજનો દુરુપયોગ કરી રહ્યા છે અને વિરોધીઓના વોટ તોડવા માટે મેન્ડેટનું આયોજન કરી રહ્યા છે. આ વાતચીત સાબિત કરે છે કે નેતાઓ માટે સમાજની એકતા કરતા પોતાની સત્તા વધુ મહત્વની છે.આ ચર્ચામાં ખાસ કરીને વોર્ડ નંબર 6 ની બેઠકને ટાર્ગેટ કરવામાં આવી છે. અહીં અનુસૂચિત જાતિના ઉમેદવાર મીનાક્ષીને મેદાનમાં ઉતારવા કે બેસાડી દેવા પાછળ કોઈ જનસેવાનો ભાવ નહીં, પરંતુ માત્ર વોટ કાપવાનું ગણિત કામ કરી રહ્યું હોવાનું જણાય છે. ભાજપના કાર્યકર્તાના મતે રમેશ વોરા દ્વારા જે 'મેન્ડેટ' નો ખેલ રમાયો છે તે સમાજમાં વિખવાદ ઉભો કરનારો છે.
મેન્ડેટના 1000 અને સભ્યપદના 100 રૂપિયાનો બચાવ
ઓડિયોમાં BSP નેતા મેન્ડેટના 1000 અને સભ્યપદના 100 રૂપિયા લેવાની વાત કરીને પોતાનો બચાવ કરી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ ઉઠે છે કે શું રાજકીય પક્ષો હવે માત્ર વોટની ટકાવારી જોવા માટે જ ઉમેદવારોને પ્યાદા તરીકે વાપરે છે? સામાજિક વ્યવસ્થા અને રાજકીય લડાઈને અલગ ગણાવતા આ નેતાઓ પડદા પાછળ જે રીતે સાઠગાંઠ કરી રહ્યા છે તેનાથી વાંકાનેરના સ્થાનિક રાજકારણમાં ભયંકર ગણગણાટ અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.