Loading Please Wait !!!
વાંકાનેરમાં ગર્ભવતી પત્નીને માર મારનાર પતિ સામે ફરિયાદ

» સંતાન સાચવવાનું કહેતા ઉશ્કેરાયેલા પતિએ બાળકો સસરાના ઘરે ફેંક્યા

» ઈલા વાઘેલાની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

સિટી ન્યૂઝ@વાંકાનેર

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે માવતર ધરાવતી એક ગર્ભવતી મહિલાને તેના જ પતિ દ્વારા સંતાનો સાચવવાની બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં માર મારવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ હિંસક બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોતાના પતિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસમાંથી મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના ભેરડા ગામે માવતર ધરાવતી ૩૨ વર્ષીય ઈલા કિશોર વાઘેલા હાલ ગર્ભવતી છે. શારીરિક પરિસ્થિતિના કારણે તે પોતાની ગર્ભાવસ્થા દરમિયાન પોતાના પિતાના ઘરે રોકાવા માટે ગઈ હતી. આ દરમિયાન, ઈલાએ તેના પતિ કિશોરને તેમના ૨ સંતાનો પૈકી કોઈ એક સંતાનને સાચવવાનું કહ્યું હતું અને ઈલા જ્યારે પોતાના બંને સંતાનોને પતિના ઘરે મૂકવા ગઈ, ત્યારે મોરબી નજીક જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતો પતિ કિશોર રામજી વઘોરા અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. આરોપી પતિ કિશોર બંને સંતાનોને સાચવવાના બદલે ફરી પાછા ઈલાના પિતાના ઘરે (ભેરડા ગામે) મૂકી આવ્યો હતો. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા આરોપી કિશોરે પોતાની ગર્ભવતી પત્ની ઈલાને બેફામ માર મારી શારીરિક ઈજાઓ પહોંચાડી હતી અને અત્યાચાર ગુજાર્યો હતો. ગર્ભાવસ્થામાં પત્ની પર હાથ ઉપાડવાની આ ઘટનાથી પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ હિંસક બનાવ અંગે ભોગ બનનાર ઈલા વાઘેલાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોતાના જ પતિ કિશોર રામજી વઘોરા વિરૂદ્ધ લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.