ટંકારામાં 9 જુગારી રંગે હાથ ઝડપાયા: 44.76 લાખનો મુદ્દામાલ જપ્ત
- રેન્જ IGની ટીમે રેડ પાડી
- મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિનો વિલા નીકળ્યો
- સિટી ન્યૂઝ@જૂનાગઢ
ટંકારાના ધુનડા ગામની સીમમાં આવેલા વીકએન્ડ હોમ ઓમ વિલા બંગલો ખાતે રેન્જ આઈજીની ટીમે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ૯ શખ્સને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ ૨૪,૩૦ લાખ સહિત કુલ ૪૪.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે બંગલાના માલિકે મિત્રના મિત્રએ 'એન્જોય કરવા માટે બંગલે જવું છે' કહીને બંગલાની ચાવી લીધી હોવાનો બચાવ કર્યો હતો અને જુગાર બાબતે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. બંગલો મહિલા કોર્પોરેટરના પતિના નામે છે. જે આઠ દિવસ પહેલા વેચી દીધો હોવો દાવો કર્યો છે. ઓમ વિલા બંગલા નંબર A-3માં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસે ૨૪,૩૦,૮૦૦ રોકડા, ૪૬,૦૦૦ની કિંમતના નવ મોબાઈલ ફોન અને ૨૦ લાખની કિંમતની બે કાર સહિત કુલ ૪૪,૭૬,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગાર રમતા ઝડપાયેલા શખ્સોમાં હાર્દિકભાઈ લાભુભાઈ માકસાણા (ચડકવા), જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા (ગોરબી), ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલીયા (મોરબી), નરોત્તમભાઈ વિરજીભાઈ દેકર (મોરબી), અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી (ધોલ), રાજેશભાઈ કરસનભાઈ ભીમાણી (નેસદાસુરજી), ચેતનભાઈ ધીરજલાલ ચીકાણી (મોરબી), જીગ્નેશભાઈ ડાયાભાઈ કાયરોલા (મોરબી) અને દેવશંકર હિંગંતલાલ સીતાણી (મોરબી) નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જે બંગલામાં દરોડો પાડવામાં આવ્યો હતો તેનું પીજી બિલ શૈલેષભાઈ લક્ષ્મણભાઈ માકસાણાના નામે છે. શૈલેષભાઈ મોરબી મહાપાલિકાના ૮ નંબરના વોર્ડના મહિલા કોર્પોરેટરના પતિ છે. કોર્પોરેટર પતિએ આ અંગે કહ્યું કે, ૮ દિવસ પહેલાં જ બંગલો વેચી દીધો છે.
ટંકારા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. માલિક શૈલેષ માકસાણાએ જણાવ્યું હતું કે, ઓમ વિલાના જે બંગલામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે, તે બંગલો મેં આઠ દિવસ પહેલાં વેચી નાખ્યો છે. જોકે, આર્થિક વ્યવહારો બાકી હોવાને કારણે હજુ દસ્તાવેજ થયો ન હોવાથી તેનો કબજો અમારી પાસે જ હતો. મારા પત્ની કુંદનબેન માકસાણા મોરબી મહાપાલિકા ના વોર્ડ નંબર ૮ના કોર્પોરેટર છે.