ટાઈલ્સના ભાવ વધતા ઘર બનાવવું થશે મોંઘું!
=> મોંઘા ગેસ, ડીઝલ અને કાચા માલે કમર તોડી
સિટી ન્યૂઝ@મોરબી
મોરબીના પ્રખ્યાત સિરામિક ઉદ્યોગમાંથી સામાન્ય જનતા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આગામી ૧ જૂનથી ટાઈલ્સના ભાવમાં ધરખમ વધારો થવા જઈ રહ્યો છે, જેને પગલે હવે નવું ઘર બનાવવું કે ઓફિસનું રીનોવેશન કરવું વધુ ખર્ચાળ બનશે. કાચા માલ અને ઈંધણના સતત વધી રહેલા ભાવોને કારણે સિરામિક એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવમાં સીધો રૂ. પનો વધારો અને એડવાન્સ પેમેન્ટનો નવો નિયમ સિરામિક સિટી મોરબીના ઉત્પાદકોના જણાવ્યા અનુસાર, ૧ જૂનથી ટાઈલ્સના ભાવમાં પ્રતિ બોક્સ દીઠ રૂ. પનો સીધો વધારો ઝીંકવામાં આવશે. આટલું જ નહીં, હવેથી ખરીદી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર કરાયો છે, જે મુજબ વેપારીઓએ ૧૦૦ ટકા એડવાન્સ પેમેન્ટ એટલે કે પૂરેપૂરા રોકડા નાણાં ચૂકવીને જ માલ ખરીદવો પડશે. આ નવા નિયમોની સીધી અસર બાંધકામ ક્ષેત્ર અને મધ્યમ વર્ગના બજેટ પર જોવા મળશે.
મોંઘા ગેસ, ડીઝલ અને કાચા માલે કમર તોડી ટાઈલ્સના ભાવમાં વધારો કરવા પાછળનું મુખ્ય કારણ ઉત્પાદન ખર્ચમાં થયેલો અસહ્ય વધારો છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે નેચરલ ગેસ, ડીઝલ અને ટાઈલ્સ બનાવવા માટે વપરાતા કાચા માલ (રો-મટીરીયલ)ના ભાવ સતત વધી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાને કારણે ફેક્ટરી માલિકો માટે જૂના ભાવે ઉત્પાદન ચાલુ રાખવું અશક્ય બન્યું હતું, જેના કારણે આ ભાવવધારો અનિવાર્ય બન્યો છે.