Loading Please Wait !!!
પતિ સામે 5 હવસખોરોએ પત્નિ પર બળાત્કાર ગુજાર્યો

બિહાર-યુપી સ્ટાઈલથી વાડીમાં બન્યો બનાવ

મોરબીની શરમજનક ઘટના : વાડીમાં આરામ કરતા શ્રમિક પરિવાર પર ત્રાટક્યા 5 નરાધમો

સિટી ન્યૂઝ@મોરબી

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ખાડે ગઈ હોય તેવો એક ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય રાજ્યો જેવી ભયાનક ઘટનાનું પુનરાવર્તન થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા એક શ્રમિક પરિવારની હાજરીમાં જ અજાણ્યા શખ્સોએ હથિયાર કે તાકાતના જોરે આતંક મચાવી મહિલાની આબરૂ લૂંટી લીધી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વાડીમાં મજૂરી કામ કરતું દંપતી તેમના પુત્ર સાથે હાજર હતું. બપોરના સમયે જ્યારે આ પરિવાર વાડીએ આરામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક પાંચ અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આ નરાધમોએ આવતાની સાથે જ વાતાવરણ ભયભીત કરી દીધું હતું અને મહિલાના પતિ તેમજ પુત્રને જીવથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી. પરિવાર કશું સમજે તે પહેલાં જ પાંચ પૈકીના એક શખ્સે પતિ અને પુત્રની નજર સામે જ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગુજરાતમાં અગાઉ ઉત્તર પ્રદેશ કે બિહાર જેવા રાજ્યોમાં જ આવી ઘટનાઓ સાંભળવા મળતી હતી, પરંતુ હવે મોરબી જેવા ઔદ્યોગિક ગઢ ગણાતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગુનેગારો બેફામ બન્યા છે, જે સમાજ અને પોલીસ તંત્ર માટે અત્યંત ચિંતાજનક બાબત છે.

આ હૃદયદ્રાવક અને શરમજનક ઘટના બાદ ભયભીત બનેલી પીડિત મહિલાએ હિંમત ભેગી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક ભોગ બનનાર મહિલાની ફરિયાદ આધારે પાંચેય અજાણ્યા શખ્સો સામે દુષ્કર્મ અને ધમકી આપવા અંગેનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આરોપીઓનું પગેરું મેળવવા અને તેમને વહેલામાં વહેલી તકે જેલના પાછળ ધકેલવા માટે જુદી જુદી દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ આ ઘટનાએ સ્થાનિક શ્રમિકો અને ગ્રામજનોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ખડા કરી દીધા છે.