Loading Please Wait !!!
મોરબી ઉમા સ્ટીલ મારામારી કેસમાં આરોપીના જામીન મંજૂર

=> વકીલોની ધારદાર દલીલ ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે દિનેશ મકવાણાને મુક્ત કર્યો

સિટી ન્યૂઝ@મોરબી

મોરબીના ચકચારી ઉમા સ્ટીલ શો-રૂમમાં થયેલા અપહરણ, મારામારી અને લૂંટના ગંભીર કેસમાં આરોપીને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રાહત આપી છે. બચાવ પક્ષના વકીલોની ધારદાર દલીલો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટે આરોપી દિનેશ ગગુ મકવાણાને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે. બનાવની ટૂંકી વિગત મુજબ, સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રણજીત જેસિંગ ચાવડા અને દિનેશ ગગુ મકવાણા સહિત ૪ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે, ઉમેશના ભાઈ ચિરાગે શો-રૂમ બહાર નડતરરૂપ ઉભેલા ટ્રકને આગળ લેવાનું કહેતા બંને પક્ષે ઝઘડો અને મારામારી થઈ હતી. આ દરમિયાન દિનેશ મકવાણા પોતાની સફેદ ફોર્ચ્યુનર કારમાંથી ધોકો લઈને આવ્યો હતો અને ઉમેશને મારવાનો પ્રયત્ન કર્યો હતો.

તેની સાથે આવેલા અજાણ્યા શખ્સોએ ઉમેશનું અપહરણ કરી જવા વિશે વાતો કરી ગાળો ભાંડી હતી. ત્યારબાદ સાંજે પણ આરોપીએ ફોન કરીને સમાધાન કરવાની ના પાડી ચિરાગ અને ઉમેશને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ કેસમાં આરોપી દિનેશ મકવાણાની ધરપકડ બાદ જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આરોપી તરફ્ે રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડિયા, વકીલ જીતેન્દ્રસિંહ જાડેજા અને વકીલ યુવરાજસિંહ જાડેજા રોકાયા હતા. તેમણે કોર્ટ સમક્ષ કાયદાકીય જોગવાઈઓ, નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ કરીને સચોટ દલીલો કરી હતી. જેને ધ્યાનમાં રાખીને મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે.