Loading Please Wait !!!
દુબઈથી અંડરવેરમાં સોનાની પેસ્ટ છુપાવી લાવતો મોરબીનો શખ્સ ઝડપાયો

 

  • DRI અને એર ઇન્ટેલિજન્સનું સંયુક્ત ઓપરેશન: રૂ. 4.31 કરોડનું 2.91 કિલો શુદ્ધ સોનું જપ્ત, આરોપી જેલભેગો

 
સિટી ન્યૂઝ | મોરબી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સોનાની દાણચોરીનો એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલું આશરે રૂ. ૪.૩૧ કરોડની કિંમતનું સોનું જપ્ત કરી મોરબીના વેગડવાવ ગામના દિલીપભાઈ હરપાભાઈ પીપરીયાની ધરપકડ કરવામાં આવી છે.

ડીઆરઆઈના અધિકારીઓને મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, દુબઈથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા અમદાવાદ એરપોર્ટ પહોંચેલા મોરબીના દિલીપ પીપરીયાને ટર્મિનલ-૨ ના ગ્રીન ચેનલ પર અટકાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં આરોપીએ પોતાની પાસે કોઈ ગેરકાયદેસર વસ્તુ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેના સામાનનું એક્સ-રે સ્કેનિંગ અને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર દ્વારા ફિઝિકલ ચેકિંગ કરવામાં આવતા કંઈક શંકાસ્પદ મળી આવ્યું હતું. જો કે, ચેકિંગ દરમિયાન દિલીપ ભારે નર્વસ અને અસ્વસ્થ જણાતા અધિકારીઓએ શંકા ગઈ હતી. અધિકારીઓએ તેની સઘન અને કડક પૂછપરછ આદરતા આખરે આરોપી ભાંગી પડ્યો હતો. તેણે પોતે પહેરેલા બે વિશેષ અંડરવેર સ્વેરછાએ કાઢી આપ્યા હતા, જેની અંદર ખાસ બનાવેલા ગુપ્ત ખાનાઓમાં ૩૨૬૩ ગ્રામ વજન ધરાવતી સોનાની પેસ્ટના બે પેકેટ છુપાવવામાં આવ્યા હતા.

જપ્ત કરાયેલી પેસ્ટને સી.જી. રોડ સ્થિત સરકારી માન્ય વેલ્યુઅરની લેબોરેટરીમાં ઓગાળવા અને શુદ્ધિકરણ માટે મોકલવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે તેમાંથી આશરે ૨.૯૧ કિલો (૨૯૧૦ ગ્રામ) ૨૪ કેરેટ શુદ્ધ સોનું મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૪.૩૧ કરોડ છે.

પૂછપરછ દરમિયાન આરોપી દિલીપે કબૂલાત કરી હતી કે તે ૧૧ જુલાઈના રોજ તેના મિત્ર કરણ સાથે દુબઈ ગયો હતો. ત્યાં તેણે તેની મુલાકાત સુરેશ નામના વ્યક્તિ સાથે કરાવી હતી. સુરેશે તેને ભારત પહોંચાડવા માટે સોનાની પેસ્ટ ભરેલા વિશેષ અંડરવેર આપ્યા હતા અને પોતાના અંડરગાર્મેન્ટ્સની ઉપર તે પહેરી લેવાની સૂચના આપી હતી. આ કામ માટે તેને મોટી નાણાકીય લાલચ આપવામાં આવી હતી. ડીઆરઆઈ દ્વારા કસ્ટમ એક્ટ, ૧૯૬૨ ની કલમ ૧૧૧ અને ૧૧૨ હેઠળ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જ્યારે કલમ ૧૦૪ હેઠળ આરોપી દિલીપ પીપરીયાની ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરાઈ છે.