Loading Please Wait !!!
મોરબી જિલ્લામાં ભારે વરસાદથી 6 માર્ગો બંધ

  • પાણીના ભારે પ્રવાહવાળા રસ્તાઓ પર સાહસ ન કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જિલ્લા વહીવટી તંત્રની ખાસ અપીલ

સિટી ન્યૂઝ@મોરબી

જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદની સ્થિતિને પગલે નાગરિકોની સુરક્ષા અને માર્ગ સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા પાણીમાં ગરકાવ થયેલા તેમજ જોખમી બનેલા કુલ ૬ માર્ગોને તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર અને લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.

મોરબી તાલુકામાં મોરબી-ધરમપુર-સાડુકા રોડ અને આંતરડા-વાંકા રોડ બંધ કરવામાં આવ્યા છે. માથિયા તાલુકામાં એન.એચ.-માથિયા એપ્રોચ રોડ પર વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો છે.વાંકાનેર તાલુકામાં વરસાદની અસરને કારણે જાળી-ડેઝલા-રાજસ્થળી રોડ, કાછિયાગડા-ગાઠીયાવાદ-રાજસ્થળી રોડ અને લુણસર-રાજસ્થળી રોડ સહિત કુલ ૩ માર્ગો બંધ કરવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકો, ગ્રામજનો અને સ્થાનિક નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. પાણીના ભારે વહેણના પ્રવાહવાળા બંધ રસ્તાઓ પરથી પસાર થવાનું સાહસ ન કરવા તેમજ તંત્ર દ્વારા નિર્ધારિત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવાયું છે.વરસાદી પરિસ્થિતિ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નાગરિકોએ સુરક્ષા સંબંધિત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને જોખમી રસ્તાઓથી દૂર રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.