મહિલા કોર્પોરેટરોના પતિદેવોનો હસ્તક્ષેપ નહીં ચલાવાય, વહીવટથી દૂર રહેવા કમિશનરનું કડક સૂચન
- મોરબી કોર્પોરેશનની પ્રથમ સંકલન બેઠકમાં જ કમિશનર એક્શન મોડમાં
- ફોન કે મૌખિક સૂચનાઓ બંધ કરો, હવે માત્ર ઓનલાઈન ફરિયાદ જ સ્વીકારાશે કમિશનર સંગીતા રૈયાણીની કડક સૂચના, 52માંથી માત્ર 35 નગરસેવકો જ હાજર રહ્યા
સિટી ન્યૂઝ@મોરબી
મોરબી મહાનગરપાલિકાની રચનાના ૧.૫ વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ આખરે સત્તાના સૂત્રો સંભાળનારી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠકમાં જ મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ પોતાનો આકરો અને શિસ્તબદ્ધ મિજાજ બતાવ્યો છે. સોમવારે યોજાયેલી સંકલન બેઠકમાં કમિશનરે કોઈની પણ શેહશરમ કે રાજકીય દબાણ રાખ્યા વિના વહીવટમાં સંપૂર્ણ પારદર્શકતા લાવવા કડક આદેશો જારી કરતા પાલિકાના વર્તુળોમાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે.
નગરસેવકોની ગંભીર બેદરકારી અને કામ પ્રત્યેની ઉદાસીનતા બેઠકના આયોજનમાં જ છતી થઈ હતી. નિર્ધારિત સમય કરતાં ૧ કલાક મોડી શરૂ થયેલી આ બેઠકમાંથી કેટલાક નગરસેવકો કંટાળીને કે પોતાની જવાબદારીમાંથી છટકીને ચાલ્યા જતાં કુલ ૫૨ માંથી માત્ર ૩૫ સભ્યો જ હાજર રહ્યા હતા. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આ રવૈયો તેમની ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારીની ચાડી ખાય છે.
આ બેઠકમાં સૌથી મોટો અને આક્રમક સપાટો મહિલા નગરસેવકોના 'પતિદેવો' પર બોલાવવામાં આવ્યો છે. વર્ષોથી કોર્પોરેશનમાં ચાલતી પ્રોક્સી રાજનીતિને ડામવા કમિશનરે મહિલા કોર્પોરેટરોને રોક્ડા શબ્દોમાં સુણાવી દીધું હતું કે, "ચૂંટણી તમે જીત્યા છો, એટલે કોઈપણ કામ કે ભલામણ માટે તમારે જ આવવું પડશે. વહીવટી પ્રક્રિયામાં તમારા પતિઓનો કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કે દખલગીરી જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં." કમિશનરની આ બેધડક ચીમકીથી રબર સ્ટેમ્પ બનીને રહેતી મહિલા કોર્પોરેટરો અને પડદા પાછળથી સત્તા ભોગવતા તેમના પતિઓમાં ભારે સન્નાટો છવાઈ ગયો હતો.
શહેરની લાઈટ, પાણી, ભૂગર્ભ ગટર અને સફાઈ જેવી પાયાની પ્રાથમિક સુવિધાઓના નામે અત્યાર સુધી ચાલતો હાલક-ડોલક અને લાગવગશાહી વાળો વહીવટ પણ હવે સદંતર બંધ કરવામાં આવ્યો છે. કમિશનરે સ્પષ્ટ તાકીદ કરી છે કે ફોન પર અપાતી મૌખિક સૂચનાઓ અને વગદાર લોકોની ભલામણો હવે કચરાપેટીમાં જશે. કોઈપણ કામ કરાવવા માટે માત્ર ઓનલાઈન ફરિયાદ જ નોંધાવવી પડશે, જેથી કામનો સત્તાવાર રેકોર્ડ જળવાય. ત્યારબાદ નિયમ અને લોકોની જરૂરિયાત મુજબ પારદર્શક રીતે અગ્રતા ક્રમ નક્કી કરીને જ કામગીરી કરવામાં આવશે, જેથી વીઆઈપી કલ્ચરનો અંત આવે.
આ કડક માહોલ વચ્ચે નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણીએ પણ શહેરના સર્વાંગી વિકાસ અને મોરબીને આધુનિક સ્માર્ટ સિટી બનાવવા માટે ભાર મૂક્યો હતો. તેમણે તમામ ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓને આંતરિક રાજકીય મતભેદો બાજુ પર મૂકીને, એક સંગઠિત ટીમ તરીકે સચોટ અને પરિણામલક્ષી કામગીરી કરવા અપીલ કરી હતી.