જમીન-મકાનની નોંધણી થશે ‘ફેસલેસ’ કલાકોની લાઈનોમાંથી મળશે મુક્તિ
=> મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય
સિટી ન્યૂઝ@મોરબી
મિલકતની ખરીદ-વેચાણને લઈને અરજદારોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે મહત્વપૂર્ણ પગલું હાથ ધર્યું છે. મહેસૂલ વિભાગ દ્વારા જમીન અને મિલકતોની રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયાને ફેસલેસ બનાવવાની દિશામાં પ્રક્રિયા હાથ ધરી છે. સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને કામગીરીમાં વિલંબને અટકાવવા માટે ટેક્નોલોજીનો સહારો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. મહેસૂલ વિભાગની નવી વ્યવસ્થા પ્રમાણે, હવે અરજદારોએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં લાંબી કતારોમાં ઊભું રહેવાની નોબત નહીં આવે. રાજ્ય સરકાર શરૂઆતી તબક્કામાં આ પ્રોજેક્ટને મોટા શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી શકે. મહેસૂલ વિભાગના સૂત્રો અનુસાર, આ પ્રોજેક્ટની સફળતા અને ટેકનિકલ વ્યવહારની ચકાસણી પછી તે ગુજરાતમાં ફરજિયાતપણે લાગુ કરી શકાય છે.
સંપૂર્ણ પ્રક્રિયા
=> ઓનલાઈન એપ્લિકેશન અને ડોક્યુમેન્ટેશન: પ્રોપર્ટી ખરીદનાર અને વેચનાર વ્યક્તિએ દસ્તાવેજની તમામ વિગતો, સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી અને જરૂરી કાગળો ઓનલાઈન પોર્ટલ પર સબમિટ કરવાના રહેશે.
=> અજ્ઞાત અધિકારી કરશે ચકાસણી: ઓનલાઈન કરાયેલી અરજી કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી કોઈપણ જિલ્લાના ચકાસણી અધિકારી પાસે જશે. મહત્વપૂર્ણ એ છે કે, અરજી ચકાસણી કરનારા અધિકારીને ખબર નહીં હોય કે, દસ્તાવેજનો માલિક કે ખરીદનાર કોણ છે. મિલકત કયા વિસ્તારની છે.
=> બાયોમેટ્રિકની મદદથી ઓળખની ખરાઈ: ઓનલાઈન પોર્ટલ પર દસ્તાવેજ મંજૂર થઈ જશે અને તેને ફાઈનલ કરવાના તબક્કે પ્રોપર્ટી ખરીદનાર-વેચનારના ઓફિશિયલ ઓળખપત્રોની ચકાસણી કરવામાં આવશે.
=> વીડિયો કોલ વેરિફિકેશન: ઓનલાઈન પોર્ટલ પર મિલકત વેચનાર વ્યક્તિ પોતે જ છે ને ,કોઈ બોગસ તો નથી. તેની તપાસ કરવા અંગે લાઈવ કોલિંગ સિસ્ટમનો ઉપયોગ કરશે. વીડિયો કોલિંગના માધ્યમથી બંને પક્ષોની ઓનલાઈન હાજરી અને બાકી વિગતોની ખરાઈ કરીને દસ્તાવેજને ડિજિટલ મંજૂરી આપવામાં આવશે.