Loading Please Wait !!!
1.90 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા ; 3.80 લાખ દંડનો હુકમ

ચેક રિટર્ન કેસમાં મોરબી કોર્ટનો કડક ઐતિહાસિક ચુકાદો

સિટી ન્યૂઝ@મોરબી

વેપારી જગતમાં ચેકનો વિશ્વાસ ટકાવી રાખવા મોરબી અદાલતે દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ૧,૯૦,૦૦૦ ના ચેક રિટર્ન કેસમાં આરોપી ભરત માકાસણાને કસૂરવાર ઠેરવી ૧ વર્ષની સાદી કેદ અને ચેકની રકમથી બમણો ૩,૮૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો ખોટા ચેક પધરાવી છેતરપિંડી આચરતા તત્વો માટે લાલબત્તી સમાન છે.

કેસની હકીકત મુજબ, ધરમપુરના ભરત માકાસણાએ ‘શાંતિવન પ્લાય એન્ડ હાર્ડવેર’ ના પ્રોપ્રાઈટર મયુર કોટડિયા પાસેથી હાર્ડવેરના સામાનની ખરીદી કરી હતી. આ ખરીદીની બાકી રકમ ચૂકવવા વારંવારની ઉઘરાણી બાદ આરોપી ભરત માકાસણાએ મયુર કોટડિયાને ૧,૯૦,૦૦૦ રૂપિયાનો ચેક આપ્યો હતો. પરંતુ, બેંકમાં જમા કરાવતા તે અપૂરતા બેલેન્સના કારણે રિટર્ન થયો હતો.

ચેક પરત ફરતા મયુર કોટડિયાએ આરોપીને કાનૂની નોટિસ ફટકારી હતી. નોટિસનો સંતોષકારક જવાબ કે રકમની ચુકવણી ન થતાં, અંતે મયુર કોટડિયાએ વકીલ મારફતે મોરબી કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કેસ નંબર ૭૦૦૧/૨૦૨૪ થી ફરિયાદ દાખલ કરી હતી. ટ્રાયલ દરમિયાન ફરિયાદી પક્ષના વકીલ રાહુલ ડાંગરે ધારદાર દલીલો કરી સાબિત કર્યું કે આરોપીએ જાણીજોઈને ચેક આપીને આર્થિક વિશ્વાસઘાત કર્યો છે. બેંકના પુરાવાઓ અને દસ્તાવેજોને ધ્યાને લઈ મોરબી કોર્ટે આરોપી ભરત માકાસણાને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે ગુનાની ગંભીરતાને લઈ આરોપીને ૧ વર્ષની સાદી કેદ અને ચેકની રકમના બમણા એટલે કે ૩,૮૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની મૂળ રકમ ૧,૯૦,૦૦૦ રૂપિયા ૬ ટકાના વાર્ષિક વ્યાજ સાથે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. જો આરોપી દંડ ભરવામાં કસૂર કે વિલંબ કરશે, તો તેણે વધુ ૬૦ દિવસની સાદી કેદની સજા ભોગવવી પડશે તેવો કડક આદેશ પણ ફરમાવાયો છે. આ કેસમાં ફરિયાદીને ન્યાય અપાવવા વકીલ રાહુલ ડાંગરે જેહેમત ઉઠાવી હતી.