પેકેજ્ડ ફૂડ પર ચેતવણી લેબલ અંગે સુપ્રીમનો આદેશ!
ખાંડ, મીઠું, ફેટ માટે અલગ લાલ ષટ્કોણ લેબલ!
FSSAI ને સંયુક્ત ચેતવણીને બદલે અલગ લેબલ નિર્દેશ!
નફા કરતા જાહેર સ્વાસ્થ્ય સર્વોપરી હોવાનું કોર્ટનું અવલોકન!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
બજારમાં મળતા પેકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણાં ખરીદતા ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહત્ત્વપૂર્ણ આદેશ આપતાં જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે FSSAI ને સંયુક્ત ચેતવણીને બદલે નિર્ધારિત મર્યાદાથી વધુ ખાંડ, મીઠું કે સેચ્યુરેટેડ ફેટ ધરાવતા ઉત્પાદનો પર અલગ-અલગ લાલ રંગના ષટ્કોણ આકારના ચેતવણી લેબલ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.
નિયમ મુજબ સફેદ બેકગ્રાઉન્ડ પર લાલ ષટ્કોણમાં "HIGH SUGAR", "HIGH SALT" અથવા "HIGH FAT" ની સ્પષ્ટ ચેતવણી પેકેટની આગળ ઉપરની ડાબી બાજુએ લગાવવાની રહેશે, જેના અક્ષરો પાછળના ન્યુટ્રિશન ઇન્ફોર્મેશન ટેબલ કરતા ઓછામાં ઓછા 1 પોઈન્ટ મોટા રાખવા પડશે જેથી ગ્રાહકો સરળતાથી ઓળખી શકે.
વર્ષ 2022 થી ચાલતી પ્રક્રિયામાં વિલંબ અને કંપનીઓને 365 દિવસની સ્વૈચ્છિક પાલન છૂટ આપવાના પ્રસ્તાવ સામે ચિંતા વ્યક્ત કરતા કોર્ટે જણાવ્યું કે વ્યાપારી હિતો માટે જાહેર સ્વાસ્થ્યને ગૌણ ગણી શકાય નહીં અને આ મુદ્દો બંધારણના આર્ટિકલ 21 હેઠળ જીવન તથા સ્વાસ્થ્યના મૂળભૂત અધિકાર સાથે જોડાયેલો છે.
ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગ, ગ્રાહક જાગૃતિ અને જાહેર સ્વાસ્થ્ય
પેકેજિંગના આગળના ભાગ પર સ્પષ્ટ પોષક ચેતવણીઓ ગ્રાહકોને ખરીદી સમયે ઝડપી અને સાચો નિર્ણય લેવામાં મદદરૂપ બને છે. સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા બિન-ચેપી રોગો સામે પારદર્શક લેબલિંગ નિયમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.