મોરબીમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો: શ્રદ્ધા સોસાયટીમાંથી 29.24 ગ્રામ મેફેડ્રોન સાથે એક શખ્સ જેલહવાલે
- મયુરભાઈ ગોગરા નામના શખ્સની ધરપકડ, NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
- 87 હજારનું ડ્રગ્સ અને વજન કાંટો મળ્યો, આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ
- બાતમીના આધારે SOG ની સફળ રેડ, રૂ. 1.09 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
સિટી ન્યુઝ @ મોરબી
મોરબીના નવલખી રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે સફળ દરોડો પાડીને મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મળેલી બાતમીના આધારે પોલીસે શ્રદ્ધા સોસાયટીમાં રહેતા મયુરભાઈ બાબુભાઈ ગોગરાના મકાન પર ત્રાટકીને 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 87,720 થાય છે. આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ ઉપરાંત રોકડ રકમ, મોબાઈલ ફોન અને વજન કાંટો મળીને કુલ રૂ. 1,09,770 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં મોરબી SOG ટીમે આરોપી મયુરભાઈ ગોગરાની ધરપકડ કરીને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ઓપરેશન SOG પીઆઈ આર.સી. ગોહિલની સૂચના મુજબ કરવામાં આવ્યું હતું. પોલીસ હવે પકડાયેલા શખ્સની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તે કોને પહોંચાડવાનો હતો તે અંગેના મહત્વના કડીઓ શોધી શકાય.
મોરબીમાં વધી રહેલા નશીલા પદાર્થોના દૂષણને રોકવા માટે પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સઘન પેટ્રોલિંગ અને બાતમીદારોનું જાળું મજબૂત કરવામાં આવ્યું છે, જેનું પરિણામ આ સફળ દરોડા સ્વરૂપે જોવા મળ્યું છે. હાલ આ મામલે પોલીસ તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે અને ડ્રગ્સના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.